ભાગ – ૧
રાતના સવા અગિયાર વાગ્યા હતા. લવર્સ પોઈન્ટ પર રુદ્ર ઉભો હતો અને બુમ પાડતો અંધારામાં ફાંફાં મારી રહ્યો હતો. ‘મીના… મીના ક્યાં છે તું…? કોઈ જવાબ કેમ નથી આપતું… મીના… ’ પણ એને ખબર નહોતી કે એનું મોત ધીમે ધીમે એના પગલાં દાબતું એની પાછળ આવી રહ્યુ હતું. આસપાસ કોઈ ન હોવાની ખાતરી કરી એક વ્યક્તિ હાથમાં છરો લઈને એની પાછળ આવી રહી હતી. નજીક આવી એણે ડાબા હાથે એનું મોં અને જમણા હાથે ગળુ દબાવી દીધું. રુદ્ર તરફડીયા મારવા લાગ્યો. એ વ્યક્તિ એને ઢસડતો ઢસડતો એક ઝાડની પાછળ લઈ ગયો. ત્યાં જઈ એના ગળા પરની ભીંસ ઔર વધારી. રુદ્ર ચીસ પણ ના પાડી શક્યો. થોડીવાર તરફડિયા મારીને શાંત થઈ ગયો. વ્યક્તિએ એનો મોબાઈલ, પર્સમાંથી પૈસા, ઘડિયાલ, અને ગળામાં પહેરેલી સોનાની ચેઈન કાઢી અને ત્યાંથી ભાગી છૂટ્યો.
***
ઈન્સપેક્ટર ઝાલાના આ લાશ અંગે માહિતી મળતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા. પર્સના લાયસન્સને આધારે તેના પરિવારને જાણ કરવામાં આવી અને પ્રાથમિક વિધીઓ આટોપાઈ. પાંચ દિવસ પછી ઈ. ઝાલાએ રુદ્રના પિતા ધનસુખભાઈ અને નાના ભાઈ ઋષીને બોલાવીને તેમની પૂછપરછ કરી. ધનસુખભાઈએ કહ્યું કે, ‘સાહેબ, પણ હમણા એની સગાઈ કરી ત્યારથી ક્યારેક ક્યારેક આવી રીતે મોડી રાતે ફરતો હતો. બહું ખુશ હતો એ મીના સાથે. પણ એ દિવસે એ ક્યાં ગયો હતો એ ખબર નથી.’
ઈ. ઝાલાએ મીનાનુ સરનામુ માંગ્યુ. ધનસુખ ભાઈએ સ્હેજ ખચકાટ સાથે સરનામુ આપ્યુ, ‘મીના કરશનભાઈ ઠાકોર, ઠાકોરવાસ, અમરાઈવાડી.’ સરનામુ સાંભળીને ઝાલા ચમક્યા. એમણે આશ્ચર્યથી પૂછ્યુ, ‘એક્સક્યુઝ મી.. કંઈ ખોટો અર્થ ના કાઢતા. પણ તમે બ્રાહ્મણ છો અને મીના અન્ય જ્ઞાતીની. આ સગાઈ કેવી રીતે થઈ? ’
‘સાહેબ! રુદ્ર અને મીના પ્રેમમાં હતા. એકવાર એણે મીનાને લીફ્ટ આપેલી ત્યારથી બંને સંપર્કમાં હતા. પણ યુ નો અમે નાત-જાત કે અમીરી-ગરીબીનો ભેદભાવ નથી રાખતા. મારે માટે તો દીકરાની ખુશી એ જ અમારી ખુશી હતી. એટલે અમે બંનેની સગાઈ કરી દીધી.’ ધનસુખભાઈ બોલ્યા પણ એમનો ચહેરો એમના શબ્દો સાથે મેચ નહોતો થતો એ ઈન્સપેક્ટર ઝાલાની જાણ બહાર ના રહ્યુ.
‘એ તો સારુ કહેવાય! નાત-જાતનો ભેદભાવ કોઈએ રાખવો જ ના જાઈએ.’ બોલીને ઈ. ઝાલાએ ઋષીને પૂછ્યુ, ‘ઋષી, તું કેમ કંઈ બોલતો નથી? તું તો એનો ભાઈ છે. તું તો ભાઈની ઘણી વાતો જાણતો હોય.’
ઋષી મજાક કરતો હોય એમ હસ્યો, ‘જાણતો તો નથી. પણ જાણતો હોત તો પણ તમને કહીને શું ફાયદો. મને પોલીસની ખબર છે. પૂછપરછ ગામ આખાની કરશે. પણ કંઈ ઉકાળશે નહીં.’ જવાબમાં ઈ. ઝાલા માત્ર હસ્યા.
***
‘સાહેબ! રુદ્રનો ભાઈ થોડોક નાલાયક લાગે છે. તમે કંઈ બોલ્યા નહીં. એને થોડી પોલીસગીરી બતાવવાની હતી.’ એમના ગયા પછી પણ કોન્સટેબલ રાઠોડ ઉકળ્યો.
ઈ. ઝાલાએ કહ્યુ, ‘રાઠોડ, આપણે રોફ જાડીને નહીં પણ કામ કરીને આપણી પોલીસગીરી બતાવવાની છે સમજ્યો. બોલ તને શું લાગે છે આ કેસમાં!’
‘સાહેબ! મને તો એ વાંદરો જ લાગે છે. મેં એની ઓફિસમાં તપાસ કરી છે. બંને ભાઈને ઉભા રહ્યે પણ નહોતું બનતું. ઋષી લાલચુ છે. એ બિઝનેસ વધારવા, કરોડપતિ થવા ખોટુ પણ કરતો હતો અને રુદ્ર એને રોકતો હતો. આ બાબતે બંને વચ્ચે બહું તકરારો થતી હતી. અને આમેય ધનસુખ ભાઈના મોટા બિઝનેસ અને બંગલાનો વારસ હવે ઋષી એકલો જ છે એ પણ આપણે ના ભુલવું જાઈએ.. મને તો એના પર જ શક છે. તમને?’
‘મને એના બાપ પર શક છે!’ ઇ. ઝાલાએ કહ્યુ, ‘એમનું ફેઈસ રીડીંગ કહે છે કે એ રુદ્ર અને મીનાની સગાઈથી જરાય ખૂશ નહોતા. આ સગુ એમની જ્ઞાતિ કે સ્થિતિને જરાય મેચ આવે એમ નહોતું.’
‘પણ સર આટલા કારણોસર કોઈ બાપ એના દીકરાનું કતલ થોડો કરી શકે?’
‘વાય નોટ? બધું જ શક્ય છે. વર્ષોથી તનોતોડ મહેનત કરીને ઉભા કરેલા ઈજ્જત અને પૈસાના સામ્રાજ્યને દીકરો ભાંગી રહ્યો છે એવું લાગે તો સગો બાપ પણ આજકાલ આવુ કરતા ના ખચકાય. પણ આ તો માત્ર શક છે. ચાલો આપણે મીનાના ઘરે જઈએ.’ ઈ. ઝાલાએ કહ્યુ.
***
બીજા દિવસે ઈ. ઝાલા મીનાના ઘરે પહોંચ્યા. ઘરની સ્થિતી જાઈને ઈ. ઝાલા વિચારી રહ્યા હતાં કે રુદ્ર જેવો ફોર્વર્ડ, આધુનિક અને પૈસાદાર બાપનો દીકરો આવા ઘરની છોકરીના પ્રેમમાં કેવી રીતે પડ્યો? પડ્યો કે પછી એને પાડવામાં આવ્યો હતો? આ સગાઈનું કારણ પ્રેમનું બંધન હતું કે પ્રેમજાળ? મનમાં ઉઠેલા વિચારને એમણે તરત જ જાકારો આપી દીધો અને અંદર પ્રવેશ્યા. એમને જાતા જ ત્રણે નાનકડી છોકરીઓ અને એક છોકરો રસોડામાં ચાલ્યા ગયા.
‘કરશનભાઈ નમસ્તે! હું ઈન્સપેક્ટર ઝાલા છું. અમે રુદ્રના ખૂનની થોડી પૂછપરછ માટે આવ્યા છીએ?’
‘ભલે પધાર્યા સાહેબ! બેસો.’ કરશનભાઈએ આવકાર આપ્યો.
‘કરશનભાઈ અમારે મીનાને મળવું છે. રુદ્રની હત્યા વિશે થોડીક પૂછપરછ કરવી છે.’
‘એને મળીને શું કરશો સાહેબ!’ જવાબ કરશનભાઈને બદલે ખુણામાં ઉભેલી એમની કંતાઈ ગયેલી ઘરડી પત્નીએ આપ્યો, ‘એ તો બિચારી ગાંડા જેવી થઈ ગઈ છે. ભગવાને બીજીવાર એની સાથે આવું કર્યુ. ગઈ વખત પણ સગાઈ નક્કી થઈ એ છોકરાએ કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. ભગવાને એના નસીબમાં લગ્ન થવાનું લખ્યુ જ નથી. બિચારી મારી દિકરી… રીબાઈ રીબાઈને મરી જશે.. હે ભગવાને.’ કાન્તા બહેનની પાંપણો ભીની થઈ ગઈ અને ઈ. ઝાલાના ભવાં તંગ થયા.
કરશનભાઈ બોલ્યા, ‘જેવા નસીબના લેખ! એને મંગળ છે. અમે આ બધામાં નહોતા માનતા પણ હવે માનવું પડે છે. છોકરી માંગલિક હોય એટલે એની સાથે જેનું સગપણ જાડાય એનું મોત નિશ્ચિત છે. મારી ફુલ જેવી દીકરીએ એવા તે કયા પાપ કર્યા હશે કે ભગવાને એને માંગલિક બનાવી. એ બેઠી અભાગણી રૂમમાં જાવ.’
ઈ. ઝાલા મીનાના રૂમમાં ગયા. મીના પલંગમાં બેઠી બેઠી હવા સાથે વાતો કરી રહી હતી. એમને જાતા એ ચોંકીને ઉભી થઈ ગઈ. ઈ. ઝાલાએ કહ્યુ, ‘મીના અમારે રુદ્ર વિશે તારી સાથે થોડી વાત કરવી છે.’
મીના એક પાગલ જ હસી શકે એવું હસી, ‘શું વાત કરશો સાહેબ! આ એકાંત અને મોતનો સિલસિલો તો આમ જ ચાલતો રહેવાનો છે. હું માંગલિક છું. જાણતી હોવા છતાં બે બે વાર સગાઈ કરી અને બે વ્યક્તિનો ભોગ લીધો. ભુલ મારી જ છે. હું જ હત્યારણ છું. મને અંદર કરી દો…’ બોલતા બોલતા એ ખડખડાટ હસી પડી… અને હસતા હસતા રડવા લાગી. ક્રમશઃ