તેજુએ ભીમાની છાતીમાં લપાઈ જતા કહ્યું.
‘તું જ મારુ સર્વસ્વ. તુ જ મારુ ઘરેણુ અને તુ જ મારી જીંદગી. “જયારે તું જ મારી પાસે હોય પછી મારે બીજા બધાનુ શું કામ છે?
બોલ-’’ જવાબમાં ભીમાએ તેને વ્હાલથી સાહી લીધી. પ્રેમી હંસલા-હંસલી જેમ એકમેકની ચાંચમાં ચાંચ પરોવીને વાતો કરતા બન્ને જણ એકબીજામાં કયારે સમાઈ ગયા. એ બન્નેમાંથી એકયને ખબર જ ન રહી. ખીંટીએ ટીંગાડેલું ફાનસ શરમાઈ ગયુ.
થોડીવાર પછી, તેજુ ભીમાથી અળગી થતા બોલી ‘તુ મને આટલુ બધુ વ્હાલ શું કામ કરે છે? હું કાંઈ ભાગી જવાની નથી. જવાબમાં ભીમો બોલ્યો‘ જીવતર ઉપર અને સમય હવે ભરોસો રહ્યો નથી તેજુ’. બચપણમાં મા-બાપને ખોયા પછી એકલવાયી જીંદગીમાં વેરાનતા સિવાય મારી પડખે કોઈ ઉભુ નહોતુ. એમ સગાવહાલા હતા પણ તું આવી તો લાગ્યુ કે સુના વગડામાં કોયલ આવી અને તું ખરેખર મારી કોયલ બનીને જ આવી. તે મને સાચવી લીધો,સમાવી લીધો, પોતાનો કરી લીધો. છતાંપણ કયારેક એવો કોઈ અંદેશો મળે છે ત્યારે હું ધ્રુજી ઉઠુ છું. અને થાય છે કે, હું તને કયાંક ખોઈ તો નહી બેસુને, કયારેક એવું થાય કે……… તું મને છોડી તો નહી દે ને?’’
ભીમો દયાળુ નજરે તેની સામે આંખ માંડીને તાકી રહ્યો અને પછી કહેઃ‘હું તને સુખ આપવામાં કયાંય
ઉણો તો નથી. ઉતરતો ને? કયાંય મારા પ્રેમમાં કચાસ તો નથી લાગતી ને?
કયાંક,કોઈવેળા હું અધૂરો તો નથી લાગતો ને?’
‘અરે……કેવી વાત કરો છો તમે?’ અધૂકડી બેઠી થઈ જતા તેજુ તેની આંખોમાં તાકી રહી અને પછી તેણે ભીમાનો હાથ પોતાના હાથ લીધો પછી બોલીઃ આજે કેમ આવુ બોલો છો? તમને કાંઈ થયુ છે?’’
‘‘ના….મને તો કાંઈ થયુ નથી. આગળ બોલતા બોલતા ભીમો અચાનક અટકી ગયોઃ અને પછી વાતને કદાચ વાળી લઈને સલુકાઈથી કહેઃ ’પણ…..એવો ભાસ થાય છે. કયારેક એવુ ખરાબ સપનું પણ આવે છે. એવા ખરાબ સપના પણ એક-બે વાર તો વહેલી સવારેય આવ્યા હતા. અને મને એનો ધ્રાસ રહે છે કે, કયાંક વહેલી સવારનું સપનું સાચુ ન પડી જાય-
‘અરે,મારા ભરથાર! ’ તેજુએ તેના માથામાં હાથ ફેરવતા કહ્યુઃ આ દુનિયા આટલી બધી આગળ વધી ગઈ તોય તમે હજી એવુ માનો છો?’’
‘દુનિયાનો તો ત્યાંની ત્યાં જ છે…’ ભીમો મનમાં જ બબડયો ‘ત્યારે તો મને જેવુ ને તેવુ સાંભળવા મળે છે ને ? મને તો તારી ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે પણ…પણ…’
‘તમને કહુ છુ……’ તેજુ વળી પાછી નીચે લસરતી લસરતી જાડાજાડ આવી ગઈ. એવા તમારા સપના કયારેય સાચા નહી પડે. તમે મનમાંથી આ બધી બીક કાઢી નાખો. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. એ આપણુ જરાય પણ ખરાબ નહી થવા દે. અને રહી વાત મારીઃ તો,તમારુ નામ એ જ મારુ સરનામુ? તેજુ નામની ટપાલને હવે બીજુ સરનામુ ફેરવવુ નથી સમજ્યા?તમે મને હથેળીમાં ફૂલ રાખે એમ રાખો છો પછી, મારે હવે શુ ઓરતા બાકી રહ્યા છે બોલો?’
-જવાબમાં ભીમો કશુ બોલ્યો નહી. માત્ર પોતાની પત્નીને તાકતો રહ્યો કે, તેજુએ વેળા જાઈને સોગઠી મારી ‘તમને એક વાત કહુ? પણ હા, તમે વાત સાંભળીને કશુ પણ ચતુબઠ્ઠુ વિચારતા નહી. જે કંઈ બન્યુ એ બધુ જ, જરી એ જ તમને કહુ છુ.’’
‘શું? કઈ વાત? શું થયુ?’
‘દોલુભા હમણા બે ચાર દિ’પહેલા વાડીએ આવ્યા હતા….હા, યાદ આવ્યુઃ તમે જે દિ’ દેવળિયા ગયા હતા. તે દિ’…’ ‘શું કામ, પણ શું કામ?’ ભીમો બેઠો થઈ જતા બોલ્યો ‘એ નરાધમ આપણી વાડીએ શું કામ ગૂડાણો હતો?’
‘પસ્તાવો કરવા…….’તેજુએ ભીમાના ખુલ્લા બરડા ઉપર ફેરવતા કહ્યુઃ ‘હૃદયથી પસ્તાવો કરવા. મનથી પસ્તાવો કરવા….! પોતાની ભૂલ સ્વીકારવા અને જે કંઈ એનાથી ખોટુ થઈ ગયુ. એ બધુ પાછુ વાળવા માટે…’
‘પણ એણે તને કાંઈ કર્યું તો નથીને? કાંઈ કહ્યુ તો નથી ને?’’
‘ઈવડોઈ મને શું કરી શકવાનો હતો? ’’ મોઢુ ફુલાવી તેજએુ કહ્યુ. હું કાંઈ એનાથી હારી જાઉ એમ નથી અને આપણી વાડીએ પણ દાડીયા હતા. હું કાંઈ એકલી પણ નહોતી. આતો, એ એના ખેતરડા બાજુથી વળતો વળ્યો ત્યારે આવ્યો અને મને બોલ્યો કે, તેજુ વહુ, મારી ભૂલ થઈ ગઈ. ભોળિયાનાથ જેવો ભોળિયા ભીમાની અને તમારી બેયની પરસેવાની કમાણી મેં હડપ કરી લીધી પણ મારે એ પાપ કરમનું પ્રાયશ્ચિત કરી લેવું છે. આજથી તમને મારા દીકરી જેવા ગણુ છું અને તને દીકરા જેવો! બોલ્યો કે, મને માફ કરજા. દિવાળી સુધીમાં
કપાસની વિણ્યમાંથી રકમ સાથે એમાંથી તમારા પંદર હજાર તમને પાછા આપી દઈશ અને હા, હવે તમને દીકરી માન્યા છે તો બાપે દીકરીને દાયજામાં પણ કંઈક આપવું પડે. બેકડની ધારમાં આવેલું ખીજડાવાળુ ખેતરડું તમારે નામ કરી દઉ છું. પણ,હવે અમને સરાપ ઓપતા નહી. તમારુ કાળજુ દુભાવ્યાનુ પાપ તો મારે માથે ધણુય છે. પણ હવે..દીકરી બનીને બાપનું સારુ વાંછજા.’
બોલતા બોલતા તેમની આંખમાં ઝળઝળિયા આવી ગયા. મેં કહ્યુ કે, જે થયુ એ થઈ ગયુ પણ બીજાના કોઈના રૂપિયા હડપ કરતા પહેલા ઈ વિચારજા કે એની જગ્યાએ તમારી જ દિકરીના હોય તો?’ અને બીજુ,કે મારે તમારા ખેતરડા બેતરડા કાંઈ જાતા નથી. નકામો તમારા કુટુંબમાં, તમારી અને તમારા ઘરવાળા વચ્ચે તમારી દીકરાને ય તમારી સાથે વાંધો પડશે. એવુ કાંઈ નથી કરવું. દોલુભા! એની કરતા ભરા, એટલુ ઘણુ છે કે, તમારી આંખ ઉઘડી.’
‘પછી શું બોલ્યો એ?’
‘બોલ્યો કે મારા દીકરાને ખબર નહી પડે અને ઘરનાને આવી બધી જમીનગીરીની ખબર પડતી નથી. મારી પાસે હાલમાં કેટલી જમીન છે એ મારા ઘરવાળાને ખબર નથી અને ભવિષ્યે મારા દિકરાને ખબર પડશે તો હું ફોડી લઈશ.’’
‘‘હા, ઈભલે ફોડી લેતો……’ભીમાએ દાંત કચકચાવીને કહ્યુઃ ‘પણ તું કાગળ આપે એટલે લઈ જ લેજે અને પછી બે પાંચ વરસે બાપ દીકરા વચ્ચે તડાં પડે ઈ જાજે. દુનિયામાં અમથુ નથી કાંઈ કીધુ કે જેને કોઈ ન પહોંચે એને એનુ પેટ પહોંચે. તો જ ભવાઈ થવાની હોય ઈ થાવા જ દેજે. તું એક અક્ષર વચ્ચે ડહાપણના બોલીશ નહી. સમજી?’
‘સારુ બસ….એક અક્ષર નહી બોલુ…….’ બથ ભરી જતી તેજુ, ભીમાને વળગી ગઈ અને ઉંઘી ગઈ. મન ઉપરથી સો મણનો બોજ આજે ઉતરી ગયો હતો અને મન સાવ હલકુ થઈ ગયું હતું. વાતાવરણમાં નવા નવા દિવસોની રંગત રંગોળી પૂરાતી જતી હતી. દિવાળી ઝાંપે આવીને ઉભી રહી ગઈ હતી. ઓણસાલ વરસ સારુ થયું હતું.એટલે મનેખમાં પૂરેપૂરો ઉત્સાહ હતો અને કપાસ,મગફળી,તલ અને બાજરા જેવા ધનધાન્યના ભાવ પણ સારા મળતા હતા. લોકોના ઘરના ખાલી ખૂણા ભરાયા હતા. કોઈ ઓણસાલ દીકરીને આણુ કરી દેવાના હતા. તો કોઈ જૂનુ મકાન પાડી દઈને ધાબાવાળા કરવાના હતા. કોઈને નવી મોટર સાયકલ લેવી હતી તો કોઈને પોતાની ઘરવાળી માટે નવુ ઘરેણુ ઘડાવવું હતુ. કોઈ જણ વાડીમાં કૂવો ખોદવવાની વેતરણમાં હતો તો કોઈને નવો પ્લોટ લેવો હતો. સૌ કોઈ પોતપોતાની વેતરણમાં હતા અને આ બાજુ, સૂરજગઢ જઈને દોલુભા, તેજુ માટે સોનાની બે બંગડી ઘડાવી લાવ્યા હતા. અને ઘડાવેલી બંગડી પોતાના ઓરડામાં ઈસ્કોતરાના ચોરખાનામાં સાચવીને મૂકી દીધી હતી.!
વાતાવરણમાં કેફ હતો. સોડમ હતી. નવા દિવસો હતા. અને સૌ કોઈમાં પરબને ઉજવી લેવા માટે થનગનાટ હતો. એક એવી બપોરે, દોલુભા, કંઈક વિચારીને તણખૂણિયે જવા માટે સાબદા થઈ, બહાર નીકળ્યા કે ત્યાં જ દેવજી સામે મળ્યો. ‘દોલુભા, કામદાર બોલાવે છે….’ ‘કોને મને? દોલુભા નવાઈ પામતા પૂછયુ.
‘હા,હા, તમને બીજા કોને?’ દેવજી હસ્યો ગામમાં બીજા દોલુભા તો નથી નહીતરે ય વળી પૂછુ કે આ દોલુભા કે ઓલ્યા દોલુભા! ‘સારુ હાલ, આ આવ્યો…’’ કરતા એમણે જાડા પગમાં નાખ્યા.
ઓરડાના બારણા અંદરથી અટકાવેલા હતા. દોલુભાએ હળવેકથી બારણા ખોલ્યા ‘‘કામદાર?’’
‘‘હાલ્યા આવો……’’ સામેના ઢોલિયા ઉપર બેઠેલા કામદારે રોજમેળનો ચોપડો એકકોર મૂકયો. નાક ઉપરના ચશ્માની દાંડી ચરખી કરી. ત્યાં જ દોલુભા અંદર આવી પહોંચ્યા. કામદારે તેમને આવકારતા સામેનો હિંડોળો બતાવ્યા. દોલુભા ‘હાશ…’કરીને હિંડોળા ઉપર બેઠા અને મૌજથી હીંચકવા લાગ્યા. કામદારે લાલ રંગના બીજા બધા ચોપડા આઘા ઠેલ્યા અને પછી દોલુભા સામે તાકી રહ્યાઃ દોલુભા હસી પડયાઃ ‘‘કામદાર, કેમ એમ ધારીને ધારીને જાઈ રહ્યા છો? મને અજૂગતુ લાગે છે’’ ‘‘અજૂગતુ તો મને પણ લાગે છે દોલુભા…..’’ કામદારે કહ્યુઃ ‘‘તમે જે રસ્તો પકડયો છે એ રસ્તો ખોટે સરનામે જાય છે. અને જયાં રસ્તો પૂરો થાય છે, ત્યાં ઉંડી ખાઈ છે દોલુભા! તમે ખોવાઈ જશો……’
‘કામદાર…’ દોલુભાએ અભિમાનથી માથુ ઘુમાવ્યુ અને પછી બોલ્યા ‘‘તમે મને કહેનાર કોણ? ’અને સાચુ કહુ તો આ રસ્તે ચડાવનાર તમે તો છો ભલા-’’ ‘‘હા, કામદાર બોલ્યા પણ ઈ વખતે જુવાની હતી અને આજે અધવવચ્ચે પૂગ્યા છો.’’ ‘‘તમે જા મને ભાઈબંધ માનતા હો તો તમારા ભાઈબંધ અને આ ઉમરે હવે વડીલ માનતા હો તો વડીલ!પણ, આ સારુ નથી લાગતુ કાલે મેં જે સાંભળ્યુ એના ઉપરથી મને લાગે છે કે,
આભાર – નિહારીકા રવિયા તમે ને તમારુ કુંટુંબ ભાંગીને ભૂકો થઈ જશો. ચૂર ચૂર થઈ જશો. એટલે કહું છું કે, તમે પાછા વળી જાવ. એ રસ્તે આગળ વધવુ તમારે માટે સારાવાટ નથી.’’
‘કામદાર…આંગણે કૂવો હોય પણ માણસ તરસ્યો રહે, પછી ઈ બીજા કૂવો ગોતવા નીકળે અને કદાચ કૂવો ન મળે, ખાલી વિરડો મળે અને બે ચાર બૂંદ એની તરસ મટાડી શકાતી હોય તો પછી આંગણાનો કૂવો કામનો શું? દોલુભા એટલુ બોલીને અટકી ગયા. તેમણે કામદાર પાસે જવાબ માગ્યો પણ કામદાર પાસે એનો જવાબ નહોતો એટલે પછી દોલુભા પોતે જ બોલ્યા ‘‘કામદાર! તમે મારા ભાઈબંધ સાચા, પણ હવે હું બહુ આગળ વધી ગયો છુ મને પાછો વાળો મા……’ ‘પસ્તાશો દોલુભા…’કામદારે ચેતવણી ઉચ્ચારી ‘ઘર ભાંગી જશે.’ ‘હવે કોઈ ફિકર નથી. કામદાર! મને, સુખનુ ચાંગળુ મળ્યુ છે તો પીવા દો. આડાં શું કામ આવો છો?’
-કામદાર સન્ન રહી ગયા. દોલુભાના શબ્દ તેમને કાળજે વાગ્યા. એમણે વાતને નામાચરણ વાળ્યુઃ ‘‘વાંધો નહી હું રસ્તા વચ્ચેથી હટી જાઉ છું. તમે સ્વતંત્ર છો,મુક્ત છો,છુટ્ટા છો’ -દોલુભા ઉભા થઈ ગયા‘તો પછી હું જાઉ છું બીજુ કાંઈ કહેવુ છે હવે તમારુ?’’
-જવાબમાં કામદારે હાથ જાડયા.દોલુભા કટ કટ કટ કરતા ખડકી બહાર નીકળી ગયા. પણ દોલુભાના ગયા પછી. એમના શબ્દો ઓરડામાં ધૂમરાતા રહ્યા. કામદારને અશાંતિ થવા લાગી. બીજું તો ઠીક પરંતુ દોલુભાએ’ આ રસ્તે ચડાવનાર તો તમે જ છો. કામદાર…’ એ શબ્દ કાઠાં લાગ્યા. કામદારે વિચાર્યુઃ જે વાઘ-દીપડો માણસનું લોહી ચાખી ગયો. એને પછી ઠાર જ કરવો પડે…અને કાં પિંજરે પૂરવો પડે પણ દાજીને પીંજરે કેમ પૂરવા? વાત આગળ વધી જશે તો બાપ-દીકરા વચ્ચે કે દાજી અને ઘરવાળા વચ્ચે ફાટફુટ પડવાની અને એક ભાઈબંધ તરીકે કામદાર એવું ઈચ્છતા નહોતો. પણ, મૂળવાત તો વિચારવાની એ છે કે ભીમલાની ઘરવાળી દોલુભા સંગે હળી કેમ ગઈ? કામદાર ઉંડા વિચારમાં પડી ગયા.. (ક્રમશઃ)