ભાગ – ૨
વહી ગયેલી વાત….
(શહેરના ખ્યાતનામ સાયન્ટીસ્ટ ડો. એ.કે. પટેલને રિસર્ચ માટે મળેલા એવોર્ડની પાર્ટી ચાલી રહી હોય છે ત્યાં એમનો એક જુનો સાથી ડો. મહેન્દ્ર જાશી આવીને એક જુના રિસર્ચની ચોરી બાબતે બ્લેકમેઈલ કરી પચાસ લાખ માંગે છે. બીજા દિવસે એનું ખૂન થઈ જાય છે. ત્યાંથી ડો. પેટલનું નામ સોસાયટીના રજીસ્ટરમાં મળે છે અને ડો. પટેલની રિવોલ્વર પણ મળે છે. તેમની ધરપકડ થાય છે. પણ ઈ. ઝાલા કહે છે કે જે માણસ ખૂન કરે તે રિવોલ્વર ના છોડે કે રજીસ્ટરમાં સાચુ નામ પણ ના લખે. આથી ડો. પટેલને રાહત થાય છે. પણ ઈ. ઝાલા તેમને કડકાઈથી પૂછે છે કે તમે પણ કંઈ દૂધે ધોયેલા નથી. ડો. જાશી સાથે તમારે કેમ અણબનાવ હતો એ કહો. હવે આગળ……..)
***
ઈ. ઝાલાની કડકાઈથી ડો. પટેલ થથરી ગયા હતા. હવે સત્ય છૂપાવવાને કોઈ કારણ પણ નહોતું અને તેમની હિંમત પણ નહોતી. તેમને લાગ્યુ કે તેઓ જા સાચુ નહીં બોલે તો ઈ. ઝાલા તેમને છોડશે નહીં. આથી ડો. પટેલે નીચી મુંડી કરીને બોલવાનું શરૂ કર્યુ, ‘સાહેબ, તમારાથી શું છુપાવુ? વર્ષો પહેલાની વાત છે. એ વખત અમારી ટુકડીમાં ચીફ ડાયરેકટર તરીકે મધુમિતા દાસ નામના મહિલા હતા. એમણે બહું વર્ષોની મહેનતને અંતે ઘણા બધા રિસર્ચ કરેલા. એ તમામ રિસર્ચ મેં અને ડો. જાશીએ ચોરી લીધા. મધુમિતા જાબ છોડી ચાલ્યા ગયા. અમે એક પછી એક રિસર્ચને કેશ કરતા રહ્યાં. પણ ડો. જાશી સફળતા નહોતા પચાવી શક્યા. એ નશામાં ડૂબતા ગયા. મે એને પણ હટાવી દીધો. આખરે વર્ષોની મહેનત અને અવનવા આટાપાટા ખેલીને હું પણ ચીફ ડાયરેક્ટર પદે આવી ગયો. આ વાત જાશી જાણતો હતો એટલે મને બ્લેકમેઈલ કરતો હતો.’
‘એટલે સો ઉંદરડાં મારીને બિલ્લીબાઈ હજે નીકળ્યા છે એમને?’ ઈ. ઝાલાએ કટાક્ષ કર્યો.
‘ડોક્ટર એ કહો કે તમારી રિવોલ્વર તમે ક્યાં રાખતા હતા અને એ કોને કોને ખબર હતી?’
‘સર, મારી રિવોલ્વર મારી ઓફિસમાં જ મારા કબાટમાં રહેતી હતી. એની એક જનરલ ચાવી ત્યાંજ પડી રહે છે. જેની ખબર ત્રણ જણને છે. એક મારા ડેપ્યુટી ચીફ ડાયરેક્ટર ડો. જનાર્દન શુક્લા!, પ્રેસિડેન્ટ ડો. સ્નેહલતા પરમાર અને જુનિયર આસિસ્ટન્ટ શૈલેશ નમ્હા. આ ત્રણેય મારા બહુ વિશ્વાસુ છે.’
ઈ. ઝાલા એ બધાના સરનામા અને નંબર લઈ બહાર નીકળી ગયા.’
***
ઈન્સ્પેક્ટર ઝાલા અને કોન્સ્ટેબલ રાઠોડે બે દિવસમાં ઘણી બધી તપાસ કરી લીધી હતી. કોન્સ્ટેબલે આ વખતે સૌથી વધારે મહેનત કરી હતી. ડેપ્યુટી ચીફ ડાયરેકટર ડો. જનાર્દન શુક્લા અને જુનિયર સાયન્ટીસ્ટ ડોક્ટર શૈલેશ નમ્હા વિશે એણે સારી એવી માહિતી એકઠી કરી લીધી હતી. આ ત્રણેયની કરમ કુંડળી કઢાઈ. કોન્સ્ટેબલ રાઠોડે કહ્યું, ‘સાહેબ, આ ડો. જનાર્દન એક નંબરનો જુગારીયો છે. મેં એની પૂછપરછ કરી તો એણે કહ્યુ કે ખૂન થયુ એ સમયે એના ઘરે આરામ ફરમાવી રહ્યો હતો. પણ ખરેખર એ ઘરે હતો જ નહીં. એ દરરોજ રાત્રે જુગાર રમવા હાઈવે પરની ડાયમંડ્‌સ કલબમાં પણ જાય છે. પણ ખૂન થયુ એ પહેલા ત્રણેક દિવસથી એણે જવાનું બંધ કરી દીધું છે અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એને કલબમાં પાંત્રીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયુ છે. મને તો લાગે છે કે એણે જ ખૂન કર્યુ હશે?’
‘કેમ એવું કેમ લાગે છે તને?’ ઈ. ઝાલાએ એની બુદ્ધિનું માપ કાઢવા પૂછ્યુ.
‘કારણ કે એને રીટાયર્ડ થવામાં હવે ચાર જ વર્ષ બાકી છે. જા ડોક્ટર જાશી ના હોય તો ચીફ ડાયરેક્ટર તરીકે એ જ નિયુક્ત થાય તેમ છે. અને ચીફ ડાયરેક્ટર થવાના ફાયદા તો તમે બહું સારી રીતે જાણો છો. અત્યારે ડો. પટેલ જ બધું હજમ કરી જાય છે. આમ ડો. પટેલનો કાંટો કાઢવાથી એનું દેવું પણ ભરાઈ જાય અને બીજા પણ ફાયદો થાય એમ હતો. ટુંકમાં સૌથી મોટો ફાયદો ડો. જનાર્દનને જ થવાનો હતો એટલે એણે….’
‘અને જુનિયર સાયન્ટીસ્ટ ડો. શૈલેશ વિશે શું માહિતી મળી?’
‘એ બહું અભિમાની છે. હમણા થોડા સમય પહેલા અહીં જાડાયો છે તોયે ડો. પટેલની ગુડબુકમાં આવી ગયો હતો. આટલા બધા જુનિયર્સ હોવા છતાં એ એમનો આસિસ્ટન્ટ બની ગયો હતો. મને એના પર એટલા માટે શક છે કારણ કે ખૂનના દિવસે એ આખો દિવસ ગાયબ હતો. રાત્રે બે વાગે ઘરે આવ્યો હતો. એને પુછ્યુ તો એણે કહ્યુ કે એ પીકનિક પર ગયો હતો. અને રાત્રે પિકચર જાવા. ટિકિટ પણ બતાવી એણે.’
‘બની શકે! ખરેખર પીકનિક અને પિક્ચરમાં ગયો હોય. ’
‘બને ચોક્કસ બને. પણ આપણે તો શક કર્યે જ છુટકો.’
‘હા, સાચી વાત છે તારી. મને પણ ડો. સ્નેહલતા પર શક છે?’
‘ઓહ.. તમને એના પર શક છે? બાકી તમે એને મળ્યા ત્યારે તો સાવ ઓળઘોળ થઈ ગયા હતા. મને તો એમ લાગતું હતું જાણે તમે નરેશ કનોડિયા છો અને એ સ્નેહલતા. એવી રીતે વળ ખાઈ ખાઈને વાતો કરી રહ્યાં હતા.’ રાઠોડે સાહેબની ઠેકડી ઉડાડી.
‘રાઠોડ, કામ કઢાવવું હોય ત્યારે સ્નેહલતા સામે નરેશ કનોડિયાનો રોલ પણ ભજવવો પડે સમજ્યો. ઈટ્‌સ અ પાર્ટ ઓફ જાબ યુ નો! હવે મારી વાત સાંભળ! ’ ઈ. ઝાલાએ સિરિયસ થઈને કહ્યુ, ‘આ ડોક્ટર સ્નેહલતા લાગે છે બહું ભોળી, પણ છે બહું ચાલાક. અહીં ગણિત જરા જુદુ લાગે છે. મને વાતો પરથી એવું લાગ્યુ કે એને ડો. પટેલ સાથે તો કોઈ દુશ્મની નહોતી. પણ ડો. જાશીનું નામ આવતા જ એનું મોં જાણે કડવું થઈ જતું હતું. એનો ચહેરો ફરી જતો હતો. મારો તર્ક એવું કહે છે કે કોઈએ ડો. પટેલ સાથે બદલો લેવા નહીં. ડો. પટેલના બહાને ડો. જાશીનું કાટલું કાઢી નાંખ્યુ છે. પણ આ તો માત્ર શક છે. કદાચ આવુ ના પણ હોય. પણ અત્યારે તો આ ત્રણ જણ પર શક જાય છે. આપણે હવે ઝડપથી એ શોધી કાઢવાનું છે કે આ ત્રણમાંથી જ કોઈ છે કે પછી બીજુ જ કોઈ?’
‘ભલે સાહેબ, બધું જ હું કરી દઈશ. ગુનેગાર બહું જલ્દી પકડાઈ જશે. ચાલો એક એક ચા થઈ જાય! હું ચા લેતો આવું.’
રાઠોડ ફટાફટ ચા લેવા ગયો અને પાછો આવ્યો, ચા પીતા પીતા એ અચાનક ચમક્યો અને બોલ્યો, ‘સાહેબ, મારા ધ્યાનમાં બીજી પણ એક વાત આવી છે.’
‘કઈ વાત ?’ ઈ. ઝાલાએ આશ્ચર્યથી કહ્યુ.
‘નજીક આવો કહું!’ બોલીને રાઠોડ ઈન્સ્પેક્ટર ઝાલાની નજીક સરક્યો અને એકદમ ધીમા અવાજે એક માહિતી આપી. એની વાત સાંભળી ઈ. ઝાલાના ચહેરાની રેખાઓ ફરી ગઈ. ક્રમશઃ
(ડો. પટેલ પોતે તો ચોર જ છે. છતાં એમને બચાવવા માટે ઈન્સ્પેક્ટર ઝાલા મેદાને પડ્યા છે. ત્રણ શકમંદમાંથી કોણ હશે અસલી ખૂની? અને ખૂનનું કારણ શું હશે? એ બધા પ્રશ્નોના જવાબ આવતા હપ્તે. પણ એક વાત નક્કી છે કે ઈ. ઝાલાએ ખૂનના જે કારણો વિચાર્યા છે એનાથી સાવ અલગ કારણસર ડો. જાશીનું કતલ થયુ છે. પણ ઈ. ઝાલા અને વાચકો બંને ચોંકી ઉઠે એવુ એ કારણ જાણીશું આવતા અઠવાડિયે.)