પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ હવે આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં ભારત સામે ન રમવાના પાકિસ્તાન સરકારના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. ત્રીજા અને અંતિમ ટી ૨૦ માં ઓસ્ટ્રેલિયા સામે ૧૧૧ રનની જંગી જીત બાદ, સલમાન આગાએ સ્પષ્ટપણે કહ્યું કે આ નિર્ણયમાં ટીમની કોઈ ભૂમિકા નથી.
ખરેખર, પાકિસ્તાન સરકારે ૧ ફેબ્રુઆરીએ સ્પષ્ટ કર્યું હતું કે ટીમને ટી ૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ રમાશે નહીં. આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. મેચ પછી મીડિયા સાથે વાત કરતા, પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું, “અમે વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ. આ અમારો નિર્ણય નથી, અમે કંઈ કરી શકતા નથી. અમારી સરકાર અને પીસીબી ચેરમેન જે કહે તે અમારે સ્વીકારવું પડશે. ભારત સામે મેચ ન રમવાનો નિર્ણય અમારો નહોતો.”
અગાઉ,પીસીબી ચેરમેન અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સંકેત આપ્યો હતો કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય ૩૦ જાન્યુઆરી અથવા ૨ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે. ૩૦ જાન્યુઆરીએ કોઈ સત્તાવાર જાહેરાત ન થયા પછી, ૨ ફેબ્રુઆરીએ સ્પષ્ટતા અપેક્ષિત હતી. જા કે, ઘટનાક્રમ અચાનક વેગ પકડ્યો. ૧ ફેબ્રુઆરીની સાંજે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને મોહસીન નકવી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ, જેના પછી સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
સરકારની મંજૂરી મળ્યા પછી તરત જ, પાકિસ્તાને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે તેની સત્તાવાર જર્સી પણ રજૂ કરી. પાકિસ્તાનને ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સાથે ગ્રુપ એમાં મૂકવામાં આવ્યું છે.
ટુર્નામેન્ટ શરૂ થવામાં એક અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી,આઇસીસીએ ભારત-પાકિસ્તાન મેચ અંગેના નિર્ણય અંગે એક મહત્વપૂર્ણ નિવેદન પણ જારી કર્યું છે.આઇસીસીએ કહ્યું છે કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી સત્તાવાર અને લેખિત માહિતીની રાહ જાઈ રહ્યું છે, પરંતુ આવો નિર્ણય વૈશ્વિક રમતગમત કાર્યક્રમની મૂળભૂત ભાવના વિરુદ્ધ છે.