ખાંભા, અમરેલી જિલ્લામાં દિવાળીના પર્વની ઉજવણી વચ્ચે ખાંભા શહેરના ભગતવી પરા વિસ્તારમાં લોહિયાળ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અગાઉના ટ્રકના ભાડા બાબતે ચાલતા મનદુઃખને લઈને એક જ જ્ઞાતિના બે જૂથ સામસામે આવી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષના લોકો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચતાં વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. દિવાળીના તહેવારની રાત્રે બનેલી આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.આ જૂથ અથડામણ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવેલા હુમલામાં સુલતાન દાઉદભાઈ સોલંકીને છરીના ગંભીર ઘા વાગ્યા હતા. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર મામલો હત્યાના ગુનામાં પરિણમ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દિવાળીના પાવન તહેવાર દરમિયાન બનેલી આ હિંસક ઘટનાથી ખાંભા શહેરમાં શોક અને ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું.બંને જૂથ વચ્ચે થયેલી આ અથડામણમાં મહિલા સહિત છથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં નયુમ આરીફભાઈ ચૌહાણ, અશરફ દાઉદભાઈ સોલંકી, ભીખુ અલીભાઈ ચૌહાણ, સલીમ દાઉદભાઈ સોલંકી, અરબાઝ ભીખુભાઈ સોલંકી અને રૂપેદાબેન આરીફભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. મારામારી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાંભા અને અમરેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. એક જ વિસ્તારના લોકો વચ્ચે થયેલી આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત અને અન્ય લોકો ઘાયલ થતાં મામલો વધુ ગંભીર બન્યો છે.
આમ, સામાન્ય બાબતમાં જૂથ અથડામણમાં એકની હત્યા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ હત્યારાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

 

ખાંભા પોલીસની સમયસૂચકતાથી વધુ ઘર્ષણ અટક્યું
ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો મોડી રાત્રે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બંને જૂથ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાયેલી હતી. પોલીસે સમયસૂચકતા દાખવી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને વધુ મારામારી કે ઘર્ષણ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની સમયસરની કામગીરીને કારણે પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવામાં આવી હતી.

 

પોલીસે હુમલામાં સામેલ ઈસમોની ભુમિકાની તપાસ શરૂ કરી
હાલમાં ખાંભા પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂથ અથડામણ પાછળનું ચોક્કસ કારણ, ટ્રકના ભાડા અંગે થયેલા વિવાદની વિગતો અને હુમલામાં સામેલ વ્યક્તિઓની ભૂમિકા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી હત્યાની આ ઘટનાથી ખાંભા સહિત અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.