જૂનાગઢમાં યુવતી સાથે દુષ્કર્મ અને ધર્મપરિવર્તન કરાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે તેનું નિવેદન નોંધતાં દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. યુવતીને અલગ-અલગ દરગાહમાં લઈ જઈ સલામી કરાવાઈ હોવાના ફોટા અને વીડિયો પણ પોલીસને મળ્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમ બનાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં એકલી રહેતી યુવતી બીમારીને કારણે સંઘાડીયા બજારમાં આવેલી મોનીસા પીરની દરગાહમાં જતી હતી. આ દરમિયાન દરગાહના મુંજાવરના પુત્ર સાથે તેની ઓળખાણ થઈ હતી. યુવતીનો આક્ષેપ છે કે, યુવકે તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ યુવતીએ ઇનકાર કરતાં તેની સાથે મારપીટ કરી હતી અને છરીથી હુમલો કર્યો હતો.
યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, યુવક દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના ફોટા અને વીડિયો ઉતારીને સગાં-સંબંધીઓને મોકલી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. યુવતીએ આ અંગે યુવકના પિતા અને દરગાહના મુંજાવરને જાણ કરતાં તેમણે પણ ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.
યુવતીએ થોડા દિવસ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયાન યુવતીએ દરગાહના મુંજાવર અને તેના પુત્ર દ્વારા ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો.
યુવતીના જણાવ્યા મુજબ, તેને ઉનાવા, ઉના, જાંબુર અને અજમેરની દરગાહમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સલામી કરાવવામાં આવી હતી. આ સ્થળોના ફોટા અને વીડિયો પોલીસે કબજે કર્યા છે.
આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, દરગાહના મુંજાવર અને તેના પુત્ર સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૩ની સંબંધિત કલમો ઉમેરવા કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપી છે.ગુજરાત સમાચાર
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. એસઆઇટી દ્વારા સમગ્ર મામલાના પુરાવા એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, આ ઘટનામાં અન્ય કોઈ વ્યÂક્તની સંડોવણી છે કે નહીં અને અન્ય યુવતીઓ પણ આવી રીતે ધર્મપરિવર્તનનો ભોગ બની છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.
પોલીસે યુવતીના ઘરેથી ઇસ્લામિક ધાર્મિક સામગ્રી સહિત કેટલીક વસ્તુઓ કબજે કરી છે. તેમાં લીલા રંગના ઘોડા, દરગાહના ફોટા, કલમાની બુક, બુરખો અને નમાજ પઢવા માટેનું આસન સામેલ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, કોડીનાર પંથકની કેટલીક તરુણીઓને પણ ઉનાવાની દરગાહમાં લઈ જઈ ધર્મપરિવર્તન કરાવ્યાના આક્ષેપો અંગે તપાસ ચાલી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જૂનાગઢના આ કેસમાં પણ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.





































