લીલીયા મોટા ગ્રામ પંચાયત કચેરી નજીક અચાનક એક મસમોટું આવળનું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મહાકાય વૃક્ષ ત્યાં પાર્ક કરેલી એક ફોર વ્હીલ કાર પર પડતા કારને નુકસાન થયું હતું. સદનસીબે, જે સમયે વૃક્ષ પડ્યું ત્યારે કારમાં કોઈ સવાર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. આ માર્ગ લીલીયાને અમરેલી સાથે જોડતો મુખ્ય રસ્તો હોવાથી વૃક્ષ પડવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બાધિત થયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલીયા તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે હેતુથી સ્થાનિક પોલીસકર્મીઓ સંજયભાઈ ઇટાલીયા અને ગૌતમભાઈ ખુમાણ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ તંત્ર દ્વારા વાહન વ્યવહારનું યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હતું અને ક્રેન કે અન્ય સાધનોની મદદથી વૃક્ષ હટાવી માર્ગને ફરી કાર્યરત કરી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. અચાનક જ બપોરના સમયે વૃક્ષ ધરાશાયી થયાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.









































