(૧)તમારી વાતમાં વાતે વાતે મગન આવે છે. તમારા આ મિત્રની અમને પણ ક્યારેક મુલાકાત કરાવો.
ડા. વિનોદ જાડા (જામનગર)
મગન એ કોઈ એક વ્યક્તિ નથી. દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે મગનાઇ પડી હોય છે!
(૨)માણસ માણસને દગો કેમ કરે છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
વળી પાછો કોણે કોને કર્યો?!
(૩)સાહેબ..! આવતા વર્ષે પણ એક નોરતું વધારે છે તો એમાં બધા વાચકો સાથે મળીને આયોજન ગોઠવીએ તો કેમ રહેશે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
આયોજન ગોઠવવું છે કે કાર્યક્રમ?!
(૪)કકળાટ કેમ પાછો આવે છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
એની ટિકિટ કન્ફર્મ નહી થતી હોય!
(૫)ક્યાં લેખકને ઉત્તમ ગણવો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
જેનો કંટાળા ઉપરનો લેખ વાંચીને પણ કંટાળો ન આવે એ લેખક ઉત્તમ ગણાય!
(૬)તમને નથી લાગતું કે આપણે સૌ ખોટા રસ્તે જઈ રહ્યા છીએ?
દર્શન પટેલ (વડોદરા)
પહેલા એ નક્કી થવા દો કે આપણે સૌ જઈ રહ્યા છીએ કે આવી રહ્યા છીએ?!
(૭)વાંઢાને સાળો કેમ નથી હોતો ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
સાળો ઘેર આવે તો જમવાનું કોણ બનાવે?!
(૮)જમાઈને દશમો ગ્રહ કહેવાય તો નવલી વહુને શું કહી શકાય?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
કેમ? એના ફઈબાએ હજી એનું કાયદેસર નામ નથી પાડ્યું?
(૯)માપસર બોલવું એટલે કેટલું બોલવુ? પરમાર હર્ષિદા ટી. (વા-સાજીત્રા પાટણ )
માપસર બોલવું એટલે બકબક નહી કરવાનું.. માત્ર એકવાર બક કહી ને બંધ થઈ જવાનું!
(૧૦)આ વરસે લગ્નમાં શું લઇને જવાય? રેનકોટ, છત્રી કે સ્વેટર? તારક વ્યાસ (સુરત)
પૈસા લઈને જવાય. જે જરૂર પડે એ ગામમાંથી ખરીદી લેવાય અને જરૂર ન પડે તો એ પૈસાનો ચાંદલો લખાવી દેવાય!
(૧૧)મહિલાઓ પેન્ટ- ટીશર્ટ પહેરે છે; પુરુષો ચણીયા-ચોલી પહેરવાનો અનુભવ કેમ કરતા નથી ?
કનુભાઈ પરમાર (દામનગર)
પુરુષ ક્યારેય મહિલા સમોવડિયો ન બની શકે!
(૧૨) એટીએમમાંથી પૈસા જેટલા લખીએ એટલા જ આવે છે વધારે ક્યારેય નથી આવતા. તો તે કેમ ક્યારેય ભૂલ નથી કરતું?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
કેમ કે એ મેડ ઈન ચાઇના નથી.
(૧૩)આપને સફળતા શેમાં મળી ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલીયા મોટા)
બસમાં ગિરદી હતી તો પણ સીટ મેળવવામાં.
(૧૪)આ ચણિયા ચોળી તો બરોબર પણ આ ચણિયા ટોળી તમે જોઈ? ડા. હિતેશ વામજા (ધારી)
હા, નવરાત્રીમાં એક દુકાને ચણિયાચોળી ભાડે લેવા આખી ટોળી આવી હતી!
(૧૫)સાહેબ કાળી ચૌદશનાં દિવસે મારો પગ કુંડાળામાં પડી ગયો છે. શું કરવું?
સંજયભાઈ જોશી (બાબરા)
એનો અર્થ એ થયો કે તમે ગમે એવા કુંડાળાંને પગ નીચે દબાવી શકો એવા સક્ષમ છો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































