જીવાતઃ
૧. સાંઠાની માખી: ઓળખઃ- ઈંડા સફેદ રંગના, નળાકાર, ચપટા અને પાનની સપાટી નીચેની બાજુ એકલ-દોકલ મૂકે છે. જ્યારે પુખ્ત માખી કાળમાં ઘરમાખી કરતા નાની, સફેદ અને આછા રખોડી રંગની હોય છે. નુકસાનઃ- ઘર માખી કરતાં નાના કદની માખી જુવારના પાકની શરૂઆતની અવસ્થામાં (છ પાન સુધી) પાન પર ઈંડા મૂકે છે. ઈંડામાંથી નિકળેલ ઈયળ, જમીનથી સહેજ ઉપર પીલામાં કાણું પાડી દાખલ થઇ અંદરના ભાગમાં સડો પેદા કરે છે. જેથી તે પીલા સુકાઈ જાય છે જેને ગાભમારા (ડેડહાર્ટ) કહે છે. આવા નુકસાન થયેલ પીલાની આજુબાજુ ઘણા પીલા નીકળેલા જોવા મળે છે જે પાછળથી વિકાસ પામતા હોય પુરતું ઉત્પાદન મળતું નથી. નિયંત્રણઃ- ચોમાસુ ઋતુમાં જુવારની વાવણી કરવાથી સાંઠાની માખીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આથી ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ જુવારની વાવણી કરવી જોઈએ. બિયારણનો દર વધુ રાખવો, જેમાંથી નુકસાનવાળા છોડને ઉપાડી નાશ કરવો. આ જીવાતના નિયંત્રણ માટે પાક ઉગ્યાના ૭ અને ૧૭ માં દિવસે લીમડાનું તેલ ૦.૫% અથવા કરંજનું તેલ ૦.૫% (૧૦ લિ. પાણીમાં ૫૦ મિ.લિ. તેલ + ૩ ગ્રામ ડિટરજન્ટ પાવડર) પ્રમાણે છંટકાવ કરવો.
ર. ગાભમારાની ઇયળ: ઓળખઃ- સાંઠાના વેધકના ઈંડા દેખાવે ભીંગડાવાળી જીવાત જેવા ચપટા, લંબગોળ અને જથ્થામાં પાનની નિચેની સપાટીએ મુખ્ય નસની નજીક જોવા મળે છે. ઈયળ પીળાશ પડતા કથ્થઈ રંગના મથાવાળી હોય છે. જ્યારે ફુદૂં મધ્યમ કદનું અને પરાળ જેવા રંગનું હોય છે. નુકસાનઃ- આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતથી લઈ કાપણી સુધી જોવા મળે છે. શરૂઆતની અવસ્થામાં ઈયળ ગાભમાં કોરાણ કરી મુખ્ય પીલાને કાપી નાખે છે. જુવારની મધ્ય અવસ્થાએ ઈયળ સાંઠામાં દાખલ થઈ અંદરનો ગર્ભ કોરી ખાય છે. પરિણામે ગાભમારો પેદા થાય છે. તદુપરાંત જયારે કણસલાં બેસે છે ત્યારે કણસલાની દાંડીમાં પણ આ ઈયળ દાખલ થઈ નુકસાન કરે છે. નિયંત્રણઃ- કાપણી થયા બાદ તુરત જ જુવારના સાંઠા તેમજ જડિયાનો ખેતરમાંથી નાશ કરવાથી બીજા વર્ષ દરમ્યાન ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ઘટે છે. એક કિ.ગ્રા. બીજ દીઠ થાયોમેથોક્ઝામ ૩૦% એફ.એસ. ૩ ગ્રામ પ્રમાણે બીજ માવજત આપવી. પાક ઉગાવાના ત્રીસ દિવસ બાદ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કોઇપણ ૧૫૦૦ પીપીએમ લીમડાયુક્ત દવા ૧૦ લિટર પાણીમાં ૩૫ મિ.લિ. પ્રમાણે છંટકાવ કરવો. વાવણી બાદ ઉભા પાકમાં ૭, ૧૪ અને ૨૧ માં દિવસે પ્રતિ હેકટર ૫ લાખ જેટલી ટ્રાઈકોગ્રામા ભમરી છોડવી. ૩ . પૂંછડે ચાર ટપકા ઈયળ (ફોલ આર્મીવોર્મ) ઃ ઓળખઃ-માદા કીટક પાનની નીચેની બાજુએ સમૂહમાં અંદાજીત ૬૦ થી ૯૦ ની સંખ્યામાં ઇંડા મૂકે છે. ઇંડા ઘુમ્મટ આકારના પીળાશ પડતા સફેદ રંગના હોય છે. આ જીવાતની ઇયળ ચાર થી પાંચ વખત નીર્મોચન કરતી હોવાથી પાંચ અવસ્થા જોવા મળે છે. પૂર્ણ વિકસીત ઇયળના માથા અને વક્ષના પ્રથમ ખંડ પર નરી આખે જોઇ શકાય તેવા આકારની જોવા મળે છે. ઇયળના પૂંછડે ચાર ટપકાની ગોઠવણ ચોરસ આકરમાં હોય છે. નુકસાનઃ- શરુઆતમાં પાન પર સફેદ રંગના ધબ્બા જોવા મળે છે. ત્યારબાદ ઇયળ પાનને ખાઇને નુકસાન કરતી હોવાથી પાનની ભુંગળી કે કુમળા પાન પર અનિયમીત આકારના કાણા પડેલા જોવા મળે છે. ઊપદ્રવીત ભુંગળી કે પાન પર ઈયળોથી ખવાયેલ ભાગ પર ઇયળની હગાર લાકડાના વહેર જેવી જોવા મળે છે. નિયંત્રણઃ- પાક કાપી લીધા બાદ જડિયાં અને કચરો દુર કરી ખેતર ચોખ્ખુ કરવું. ફોલ આર્મીવોર્મના નર અને માદા ફુદાઓ પ્રકાશ તરફ આકર્ષિત થતા હોવાથી પ્રતિ હેકટરે એક પ્રમાણે પ્રકાશ પિંજર ગોઠવવા. ફોલ આર્મીવોર્મના ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે ૧૦ થી ૧૨ મુજબ ગોઠવવા. પાકની શરૂઆતની અવસ્થામાં ૨ થી ૩ અઠવાડિયા સુધી આ જીવાતથી પાકને રક્ષણ આપવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ ૬ મિ.લિ. સાયએન્ટ્રાનીલીપોલ ૧૯.૮ ટકા + થાયોમેથોકઝામ ૧૯.૮ ટકા એફ.એસ. દવાથી બીજ માવજત આપ્યા બાદ જ વાવણી કરવી જોઈએ. ઉપદ્રવની શરૂઆતમાં બેસિલસ યુરીન્ઝીન્સીસનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા ન્યુમેરીયા રીલી નામની ફૂગનો પાઉડર ૩૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી ભીંજાય તે રીતે છંટકાવ કરવો. પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્લોરેન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૪ મિ.લિ. દવા અથવા થાયોમેથોક્ઝામ ૧૨.૬ + લેમડાસાયહેલોથ્રીન ૯.૫ ઝેડસી ૨.૫ મિ.લિ. દવા અથવા સ્પિનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિ.લિ. દવા અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ દવામાંથી કોઇપણ દવાનો પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.