વડિયા કોર્ટમાં સિવિલ જજ અને એડવોકેટ એન.વી. રાઠોડ વચ્ચે ટકરાવ બાદ આજરોજ અમરેલી જિલ્લા વકીલ મંડળ દ્વારા તમામ તાલુકા મંડળના પ્રમુખો તથા જિલ્લા વકીલ મંડળના સભ્યોની તાત્કાલિક મિટિંગ યોજી તમામ વકીલોની હાજરીમાં સર્વાનુમતે અરજન્ટ કામગીરી સહિત તમામ નામ. કોર્ટ કાર્યવાહીથી અચોક્કસ મુદ્દત સુધી અલિપ્ત રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
અમરેલી વકીલ મંડળની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગત તા. ૩૦-જુલાઇ-ર૦રરના રોજ વડિયાના જ્યુડી. મેજી. ફ.ક. સાહેબની કોર્ટમાં એડવોકેટ એન.વી. રાઠોડની મુદ્દત હોય તે મુદ્દત સંબંધે સાહેદોને બોલાવી જુબાની લેવાની હોય જે અંગે નામ. સાહેબને જણાવતા નામ. સાહેબ એડવોકેટ ઉપર ખૂબ જ ગરમ થઇ જતા કહેવા લાગેલ કે તમે કોર્ટને શીખવાડશો કે કોર્ટ કઇ રીતે ચાલશે? આ એડવોકેટ હાર્ટના દર્દી હોય, જેના કારણે તેઓની તબિયત લથડતા તેમને સરકારી હોસ્પિટલ અને ત્યાંથી અમરેલી સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડવોકેટ રાઠોડ તથા તેમના પુત્ર સામે ઇન્ક્વાયરી કેસ દાખલ કરી તેમની સામે વોરંટ હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ હુકમ સામે નામ. ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રિવિઝન દાખલ થતા જે વોરંટના હુકમ સામે સ્ટે આપવામાં આવ્યો છે. આજરોજ મળેલ મિટિંગમાં પ્રમુખ એલ.એન. દેવમુરારી, ઉદયનભાઇ ત્રિવેદી સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.