કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં ૧૨ વર્ષથી વધુ સમય બાદ ૨જી સ્પેક્ટ્રમ કેસ સંબંધિત નિર્ણયમાં સુધારો કરવાની વિનંતી કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, સરકાર દેશના પ્રાકૃતિક સંસાધનોને સ્થાનાંતરિત કરતી વખતે હરાજીનો માર્ગ અપનાવવા માટે બંધાયેલી છે. ૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ના તેના નિર્ણયમાં જાન્યુઆરી ૨૦૦૮માં ટેલિકોમ મંત્રી તરીકે એ. રાજાના કાર્યકાળ દરમિયાન, વિવિધ કંપનીઓને આપવામાં આવેલા ૨જી સ્પેક્ટ્રમ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર. વેંકટરામાણીએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ વચગાળાની અરજીનો ઉલ્લેખ કર્યો હતો. અરજીની તાત્કાલિક સૂચિબદ્ધ કરવા વિનંતી કરતા ટોચના કાયદા અધિકારીએ બેન્ચને જણાવ્યું હતું કે, અરજી ૨૦૧૨ના ચુકાદામાં ફેરફાર કરવા માંગે છે કારણ કે કેન્દ્ર અમુક કેસોમાં ૨જી સ્પેક્ટ્રમ લાઇસન્સ આપવા માંગે છે. ચીફ જસ્ટિસે વેંકટરામાણીને કહ્યું કે, ‘અમે જાઈશું, મહેરબાની કરીને ઈ-મેલ મોકલો.’
એનજીઓ ‘સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન’ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે હરાજી અંગેના નિર્ણયમાં આ મુદ્દો સારી રીતે ઉકેલી લીધો છે. સંબંધિત દ્ગર્ય્ં એ અરજીકર્તાઓમાં સામેલ હતી જેમની અરજીઓ પર કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૨માં નિર્ણય આપ્યો હતો. આ વર્ષે ૨૨ માર્ચે, દિલ્હી હાઈકોર્ટે ૨જી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં રાજા અને અન્ય ૧૬ લોકોને નિર્દોષ જાહેર કરવા સામે સેન્ટ્રલ બ્યુરો આૅફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની અપીલ સ્વીકારી હતી, અને એજન્સીએ અરજી દાખલ કર્યાના છ વર્ષ પછી કેસની સુનાવણી કરવાની મંજૂરી આપી હતી.
સીબીઆઈની અપીલ સ્વીકારતા હાઈકોર્ટે કહ્યું હતું કે, નીચલી કોર્ટના નિર્ણયમાં ‘કેટલાક વિરોધાભાસ’ હતા જેના માટે ‘સંપૂર્ણ તપાસ’ જરૂરી છે. વિશેષ અદાલતે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રાજા, ડીએમકે સાંસદ કનિમોઝી અને અન્યને ૨જી સ્પેક્ટ્રમ ફાળવણી સંબંધિત સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ સીબીઆઈએ વિશેષ અદાલતના નિર્ણયને પડકારતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, ૨જી સ્પેક્ટ્રમ માટે લાયસન્સ ફાળવણી પ્રક્રિયાને કારણે તિજારીને રૂ. ૩૦,૯૮૪ કરોડનું નુકસાન થયું છે.