હવાર હવારમાં બકો બોસના ઘરે જઈ ચડ્યો. બોસને હજી હંધૂય બાકી હતું. એકદમ બકાને જોઈને બોસને નવાઈ લાગી. કણસતા કણસતા બોલવાની ટ્રાય કરી રહેલો બકો કાંઈ બોલી શકતો નહોતો.
‘‘બકા, હવાર હવારમાં આટલું વહેલું આવવાનું કારણ? હંધૂય ઠીકઠાક તો છે ને!?’’
‘‘કાંઈ ઠીકઠાક નથી બોસ, કાંઈ ઠીક નથી. તમારે મારી હારે બહાર આવવું પડશે.’’
આટલું માંડ માંડ બોલીને બકો પેટ પકડીને ઊભો રહી ગયો.
‘‘અરે બકા, તું ગાંડો થયો કે થાશ!? તારે બહાર જાવું છે, એમાં મારુ શું કામ? ન્યાં તારે એકલાએ જ જાવું પડે.’’
‘‘બોસ બોસ, હું એ બહાર જાવાની વાત નથી કરતો. બહાર એટલે.. તમારે મારી હારે પોલીસ સ્ટેશને આવવું પડશે.’’
‘‘પોલીસ સ્ટેશને? ન્યાં વળી તારે શું કામ છે?? ચોરી કરવા વાળા જાય, ચોરી કરાવવા વાળા જાય, રેતી માફિયાઓ જાય, દારુ પીનારા અને વેચનારા ‘ય ક્યારેક ક્યારેક જાય પ્રસાદી આપવા અને પ્રસાદી લેવા. તારા જેવા સીધા-સાદા માણસનું ન્યાં હું કામ?’’
‘‘કામ પડે બોસ, કામ પડે. આ કળજુગમાં હારા હારાને પોલીસનું કામ પડે.’’
‘‘પણ..! શું કામ પડ્યું ઈ કહીશ!?’’ ‘‘પોલીસ મારી ફરિયાદ નથી લખતી.’’
‘‘તારે વળી કોની હામે ફરિયાદ કરવી છે?’’ ‘‘ઘરવાળી હામે.’’
‘‘કેમ શું થયું વળી?’’ ‘‘હવાર હવારમાં મારે માર ખાવો પડ્યો.’’
‘‘સબૂત હું છે? ક્યાંય લોહી બોહી નીકળ્યું છે?’’ ‘‘મૂંઢમારમાં લોહી નો નીકળે.’’
‘‘તો પછી પોલીસ ફરિયાદે’ય નો લખે.’’ ‘‘ઘરવાળી ખોટી ખોટી ફરિયાદ કરે તો કેમ તરત લખે છે!?’’ ‘‘હવે ઈ હંધૂય અભણ અમથાલાલને ખબર.’’
‘‘ના ભાઈ ના. આપણી પોલીસ એટલી બધી કામઢી ’ય નથી. એ પહેલાં તેલ જૂએ, તેલની ધાર જૂએ પછી કામગીરી કરે.
હમણાંની જ વાત છે, ‘અમરેલીથી આબુ’ કોલેજનો લેડીઝ પ્રવાસ ગોઠવાયો હતો. આવી છોકરીઓના બાપ સમો કોલેજનો ડાયરેકટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પૂર્વ કુલપતિ ડો.ભીમાણીને છોકરીઓની ચિંતા થઈ.
તે ઘરનાં ખર્ચે, ઘરની ગાડીમાં ઘરનું પેટ્રોલ બાળીને ખબર-અંતર પૂછવા ગયો.
બકાથી રહેવાયું નહીં એ વચ્ચે જ બોલ્યો.
‘‘બચાડો માવતર જીવ કહેવાય..! એનાંથી રહેવાયું નહી હોય ચિંતા કર્યા વગર. આવાં… ડાયરેકટર ઠેક- ઠેકાણે હોય તો કેવું હારુ!!’’
‘‘બકા..આ, તું ઉતાવળો થા માં અને ઉતાવળમાં હાવ બાફી મારમાં. પુરી વાત હાંભળ.’’
અમથાલાલે બકાને ઠપકો આપ્યો.
‘‘ખબર-અંતર તો પુછવા ગયો. પણ, ખબર ભૂલી ગયો. અંતરંગ પ્રશ્નો પુછવા લાગ્યો.’’
(બચાડાને પીધા પછી કેટલું ’ક ભાન રહે.)
છોકરીઓએ આવીને પોલીસને જાણ કરી. પોલીસ કહે, ‘‘તમારે ફરિયાદ કરવા પાછું આબુ જાવું પડશે. આબુ પોલીસનું કામ અમે આડેથી ના કરી શકીએ. અમારે કોઈના હકનું ના ખપે. અમને અમારાં હકનું જ ખપે.’’
‘‘આવું જ કામ એક આસ્થાનાં ધામના નામે થયું. ઢોર માર ખાધા પછી. પોલીસ સ્ટેશનમાં ગયા ફરિયાદ માટે. કોઈ ફરિયાદ લેવા તૈયાર નહી. કારણ ભલે વિચિત્ર હોય. પણ, માર ખાધેલું ચિત્ર તો હામે જ છે.’’
પોલીસની આડી-અવળી વાતો હવે બોસથી ના હંભળાણી. એમણે વચ્ચે જ કહ્યું.
‘તમે પોલીસને હાવ હળવાશથી ના લો. મારો એક મિત્ર છે. રાત્રે એમનો ફોન ઘરેથી ચોર ચોરી કરીને લઈ ગયો. એ પહોંચ્યા પોલીસ સ્ટેશન. ઇન્સ્પેક્ટર સાહેબ એમનાં ઓળખીતા.’
‘‘સાહેબ! ફોન ચોરી થયો છે. ફરિયાદ લખો ને.’’
‘‘ક્યાં રહો છો?’’ ‘‘અ બ ક સોસાયટીમાં.’’ ‘‘જાવ, તમારો ફોન સાંજ પડતાં પડતાં આવી જાશે.’’ ‘‘પણ, સાહેબ! ફરિયાદ તો લખો.’’ ‘‘તમારે રોટલાનું કામ કે ટપાકાનું !??’’
સાંજ પહેલા ફોન આવી ગયો. પણ, આવી આધુનિક સિસ્ટમ આજ સુધી હમજાણી નથી. અને તમે કહો છો, પોલીસ કામ નથી કરતી!??
અમથાલાલે કહ્યું. ‘‘આ બધું હવે જૂનું થઈ ગયું, નવું કાંઈ છે?’’
‘‘હા હા, છે ને. ’’બોસે ટટ્ટાર થઈને કહ્યું.
‘‘હમણાં જ અમદાવાદના મેઘાણી નગરમાં એક ઘટના ઘટી. પૂર્વ કેબિનેટ મંત્રી ‘પ્રદીપ પરમાર’ પોતાની મોંઘી કાર લઈને નીકળ્યા. બે ત્રણ જુવાનીયાએ એમની કારને ઓવરટેક કરી. મંત્રીથી આ સહન ના થયું. (ના જ થાય ને !!) એમણે જુવાનીયા સાથે શિષ્ટ ભાષામાં ગાળાગાળી કરી. ’’
મંત્રીએ સીધો જ પોલીસને ફોન જોડ્યો. ‘‘તાત્કાલિક મેઘાણી નગરમાં આવો, મારી ઉપર હુમલો થયો છે.’’
ઉપરી સાહેબે બે પાંચ વેનને ફોન કર્યા. ‘જ્યાં હોય ત્યાંથી જલ્દી મેઘાણી નગર પહોંચો.’
‘‘પણ સાહેબ, અમે ખૂબ જ જરૂરી ગુનેગારને પકડવા જઈ રહ્યા છીએ.’’
‘‘તમને કહ્યું એટલું કરો. ગુનેગાર તો ફરી ગુનો કરશે તો પકડાશે. અત્યારે આ જરૂરી મેટર છે, આપણાં સૌ માટે.’’
ગણતરીની મિનિટોમાં એક સાથે પાંચ પાંચ ગાડીઓ ચિચિયારીઓ પાડતી આવી પહોંચી. ‘‘શું થયું સાહેબ!? કંઈ વાગ્યું ભાંગ્યું તો નથી ને?’’ ‘‘ના, એમ શેનાં મારે !!’’
‘‘તો પછી શું થયું? કાંઈ પૈસા બૈસા, કે સોનું લઈ ગયાં? કે પછી મહત્વની કોઈ ફાઈલ બાઈલ ગઈ?’’ ‘‘ફાઈલ તો સરકારના હાથમાં ‘ય નથી આવતી. તો, એનાં હાથમાં ક્યાંથી આવશે.’’ ‘‘તો પછી આખરે થયું શું?? ’’સાહેબને અચરજ થયું. ‘‘મારાં ચશ્મા એ લઈને ભાગી ગયા છે.’’ પોલીસ ખાતું ઊંધે માથે થઈ ગયું. ઠેક-ઠેકાણેના સીસીટીવી કેમેરા ઊંચા નીચા કરી નાખ્યા. આખરે આઠ કલાકની પરસેવા પાડ મહેનતથી ત્રણ છોકરાઓને પકડી ચશ્મા કબજે કર્યા.’’
‘‘આવું આવું ગજબનું કામ પોલીસ ખાતું કરે છે. છતાંય તમે કહો છો કે, પોલીસ ખાતું કામ નથી કરતું!??’’ અમથાલાલને મનોમન થયું, પાંચ પાંચ ગાડીઓની રખડપટ્ટી, એ હંધાયનું પેટ્રોલ, એ હંધાયનો સમય અને જરૂરી કામ હાવ સાઈડમાં.
છતાંય બિલાડીને કોણ કહે કે, તારું મોં ગંધાય છે.
kalubhaibhad123@gmail.com








































