સુરત શહેરના ઉમરા વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ૨૬ વર્ષીય ડિવોર્સી માતાએ પોતાના ૪ વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કરુણ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ઉમરા વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય પૂનમ શાહના છૂટાછેડા થઈ ચૂક્્યા હતા. તેણીનો ૪ વર્ષનો પુત્ર શિવાય તેની સાથે જ રહેતો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ પહેલા પોતાના પુત્રને ગળેફાંસો આપ્યો અને ત્યારબાદ પોતે પણ એ જ પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પરિવારજનોએ પોલીસને માહિતી આપી હતી.
મૃતક મહિલાના પરિવારજનોએ તેના પૂર્વ પતિ કરણ શાહ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, છૂટાછેડા બાદ પણ કરણ દ્વારા પૂનમને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
પરિવારનો દાવો છે કે આ વધતા માનસિક દબાણ અને કનડગતને કારણે જ પૂનમે પુત્રની હત્યા બાદ આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે. હાલ આ આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે તેમજ મોબાઈલ કોલ ડિટેલ્સ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.પોલીસ દ્વારા પ્રાથમિક રીતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.