સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ મસ્તરામ પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના વિશેષ સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં શ્વસનતંત્ર, પાચનતંત્ર, સ્ત્રીરોગ, બાળરોગ તેમજ વૃદ્ધાવસ્થાને લગતી વ્યાધિઓનું આયુર્વેદિક પધ્ધતિથી સચોટ નિદાન કરી તમામ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હાથસણી રોડ, શ્રીજીનગર, ચંદ્રમોલી સોસાયટી, ગણેશવાડી તેમજ આસોપાલવ સોસાયટી જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ ઉમટી પડીને આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. મેડિકલ ઓફિસર ડા. ડી.જે. ખાચર તથા ડા. અંજુમન શેખ દ્વારા સરાહનીય નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ટ્રસ્ટી જતીનભાઈ મહેતા તથા અન્ય ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.