દેશની પહેલી સેમી કંડક્ટર ચિપ ગુજરાત બનાવશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આજે અમદાવાદ એરપોર્ટથી સાણંદ જીઆઇડીસીમાં રોડ શો યોજયો હતો. રોડ શો બાદ માઇક્રોન ટેક્નોલોજીના સેમિ કંડક્ટર ચીપ પ્લાન્ટની અદ્યતન એટીએમપી (એસેમ્બ્લી, ટેસ્ટીંગ , મા‹કગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કર્યુ હતુ. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરી હતી.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ૨૨,૫૧૬ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ ૪.૫૦ લાખ ચોરસ ફૂટ જમીનમાં પથરાયેલો છે. આ એસએસડી અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. ૫૦૦૦ લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની એટીએમપી સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે. આમ ગુજરાત સેમી કંડક્ટરનું હબ બનશે.
સાણંદ જીઆઇડીસી ખાતે પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શોની શરૂઆત કરી. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ઉદ્યોગકારો અને ભાજપ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. સમગ્ર વિસ્તાર દેશભકિત ગીતો અને ‘મેક ઇન ઇÂન્ડયા’ના સૂત્રોથી ગુંજી ઉઠ્યો.
દેશમાં સ્થપાઈ રહેલા સેમિ કંડક્ટર પ્લાન્ટ તે વાતનો પુરાવો છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના મોરચે તેના ભવિષ્યને આકાર આપવામાં સજ્જ છે. ભારત એઆઈના મોરચે બીજા કોઈપણ દેશ કરતાં જરા પણ પાછળ રહેવા માંગતું નથી. તેથી ભારત આ દિશામાં બીજા દેશોની તુલનાએ ત્વરિત પગલાં ભરી રહ્યુ છે. આ તો ગુજરાતના પ્લાન્ટની જ વાત થઈ. આ સિવાય દેશમાં પણ નોઇડા અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણામાં પણ એઆઈના મોરચે કોઈને કોઈ પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે અથવા તો બેકઓફિસ ખૂલી રહી છે. ઓપન એઆઈ, ગૂગલ અને હવે એન્થ્રોપિક જેવી ટોચની એઆઈ કંપનીઓએ પણ ભારતમાં તેમની ઓફિસ શરૂ કરી છે. ભવિષ્ય એઆઈનું છે. તેથી દરેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવવા તત્પર છે. આવું એક સમયે આઇટી અને સોફ્ટવેર પ્રોફેશનલ્સ અંગે કહેવાતું હતું. ભારતે સોફ્ટવેર સર્વિસિઝમાં જે કાઠું કાઢ્યું છે, તેના પછી હવે ભારત એઆઈમાં કાઠુ કાઢે તે માટે સરકારે કમર કસી લીધી છે.
આ અગાઉ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧ લાખ ૩૪ હજાર ૯૩૩ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે ચાર પ્લાન્ટનું કામ અત્યારે પ્રગતિમાં છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સેમી કંડક્ટર નું હબ બનાવવાનો સંકલ્પ કરેલ છે, જે અંતર્ગત સેમી કંડક્ટરના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા ૭૫ હજાર કરોડનું પેકેજ જાહેર કરેલ છે, જેના કારણે આજે દેશમાં કુલ પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. દેશમાં ગુજરાત સેમી કંડક્ટર હબ બને તે માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સેમી કંડક્ટર પોલીસી તૈયાર કરી છે, જેના કારણે દેશના પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે, જે પૈકી ત્રણ પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યા છે. જ્યારે એક પ્લાન્ટ ધોલેરા ખાતે તૈયાર થઈ રહ્યો છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાણંદ જીઆઈડીસી ખાતે જે ત્રણ સેમી કંડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં માઈક્રોન ટેકનોલોજી રૂપિયા ૨૨૫૧૬ કરોડના મુડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપી રહી છે. બીજા પ્લાન્ટ સી.જી. સેમી પ્રા.લી. રૂપિયા ૭૫૮૪ કરોડના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. કેયન્સ સેમી પ્રા.લી. દ્વારા રૂપિયા ૩૩૦૭ કરોડના મુડી રોકાણ સાથે તૈયાર કરવામાં આવી રહેલ પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત એક પ્લાન્ટ ધોલેરા જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યો છે. દેશનો સૌથી મોટો એવો આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લી. કંપની રૂપિયા ૯૧૫૨૬ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. આમ ગુજરાતમાં ૧ લાખ ૩૪ હજાર ૯૩૩ કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે આ ચાર પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યા છે.





































