બાલીવુડના અભિનેતા સલમાન ખાનના બાંદરા વેસ્ટમાં આવેલા ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર ગઈ કાલે સવારના પાંચેક વાગ્યે પાંચ રાઉન્ડ ફાયરિંગ થવાની ચોંકાવનારી ઘટના બની હતી. પાંચમાંથી ત્રણ ગોળી દીવાલ પર, એક ગોળી નેટને ચીરીને બાલ્કનીમાં તો એક ગોળી અપાર્ટમેન્ટની નીચે પડી હતી. ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન સહિત કોઈ બહાર નહોતું એટલે આ ગોળીબારમાં કોઈને ઈજા નહોતી પહોંચી, પણ ફાયરિંગનો અવાજ સાંભળીને ગૅલૅક્સી અપાર્ટમેન્ટ અને આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.
આ ફાયરિંગ મોટરસાઇકલ પર આવેલા બે જણમાંથી પાછળ બેઠેલી વ્યક્તિએ કર્યું હોવાનું આ ઘટનાના વિડિયોના ફુટેજમાં જણાઈ આવ્યું છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આરોપીઓને શોધવા માટે ૧૫ ટીમ બનાવી છે. એ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે અને સલમાન ખાનની સિક્યારિટીમાં વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાને આ ઘટના વિશે કંઈ નથી કહ્યું, પરંતુ તેના પિતા સલીમ ખાને કહ્યું હતું કે જાનથી મારી નાખવા માટે નહીં પણ પબ્લિસિટી મેળવવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે એટલે પરેશાન થવાની જરૂર નથી.
ગયા વર્ષે માર્ચ મહિનામાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીની ઈ-મેઇલ તેના મૅનેજરને મળી હતી. આ ધમકી જેલમાં બંધ ગૅન્ગસ્ટર લારેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામથી આપવામાં આવી હોવાનું જણાતાં પોલીસે તેમની સામે હ્લૈંઇ નોંધીને તપાસ હાથ ધરી હતી અને સલમાનના ઘરની બહાર પોલીસની ગાડી ઊભી રાખીને તેની સિક્યારિટી વધારવામાં આવી હતી. પોલીસની ગાડી હોવા છતાં ગઈ કાલે સવારના અભિનેતાના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવતાં બધા ચોંકી ઊઠ્‌યા છે.પાંચ રાઉન્ડ ફાયરિંગમાં જાકે કોઈને ઈજા નથી થઈ અને સલમાનનો પરિવાર સુરક્ષિત હોવા છતાં તેના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. સલમાનના પિતા સલીમ ખાને ચિંતા જેવી કોઈ વાત ન હોવાથી ફૅન્સને પરેશાન ન થવા કહ્યું છે.
ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં રહેતા ફિલ્મ-પ્રોડ્યુસર પ્રેમ રાજ સોનીએ કહ્યું હતું કે ‘વહેલી સવારે અમે ભરઊંઘમાં હતા ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સાંભળીને જાગી ગયા હતા. એ સમયે કોઈ મોટી ઘટના થઈ હોવાની આશંકાથી અમે ખૂબ ડરી ગયા હતા. સલમાન ખાન એકદમ ઠીક છે. અમને પોલીસની ટીમ પર ભરોસો છે. બધી બાબતનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. ગભરાવાની જરૂર નથી. ઈમાનદારીથી કહું તો અમને આૅથોરિટી પર ભરોસો છે. અમે બધા સેફ છીએ.’
સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી સંબંધી એક ફેસબુક પોસ્ટ સામે આવી છે જે કોઈક અનમોલ બિશ્નોઈ નામની વ્યક્તિના અકાઉન્ટમાંથી કરવામાં આવી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૅલૅક્સી અપાર્ટમેન્ટમાં લારેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે આ ગોળીબાર કરાવ્યો છે. એમાં લખવામાં આવ્યું છે કે ‘અમે અમન ચાહીએ છીએ, જુલ્મ સામેનો ફેંસલો જંગથી થતો હોય તો જંગ કરીશું. સલમાન ખાન, અમે આ તને ટ્રેલર દેખાડ્યું છે જેથી તું અમારી તાકાત સમજી શકે. અમારી તાકાતની વધુ પરીક્ષા ન લે. આ પહેલી અને છેલ્લી વા‹નગ છે, આ પછી ગોળી માત્ર ઘર પર નહીં ચાલે. તેં જે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માન્યા છે એમના નામના અમે બે કૂતરા પાળ્યા છે. વધુ બોલવાની અમને આદત નથી. જય શ્રીરામ, જય ભારત. લારેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર, કાલા જઠેડી, રોહિત ગોદારા.’
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બે શૂટરના ફોટો પોલીસને હાથ લાગ્યા છે. બાંદરા રેલવે સ્ટેશનના પ્લૅટફાર્મ-નંબર એક પરના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરામાં તેઓ ઝડપાઈ ગયા છે, જેમાં એક શૂટર સફેટ ટી-શર્ટમાં તો બીજા લાલ ટી-શર્ટમાં હોવાનું જણાય છે. આ મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીએ પણ શરૂ કરી છે, જેમાં મહ¥વની માહિતી હાથ લાગી છે. સલમાનના ઘરે ફાયરિંગ કરનારા શૂટર્સ હરિયાણા અને રાજસ્થાનના હોવાની શક્યતા છે. લારેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે જાડાયેલા રાજસ્થાનના કુખ્યાત રોહિત ગોદારાની ગૅન્ગે શૂટરો અરેન્જ કર્યા હોવાનું કહેવાય છે.સીસીટીવી કૅમેરામાં પાછળ ઊભેલો યુવક હરિયાણાના ગુરુગ્રામનો વિશાલ ઉર્ફે કાલુ હોવાની શક્યતા છે. તે રોહિત ગોદારા ગૅન્ગનો શૂટર છે જેણે તાજેતરમાં જ હરિયાણાના રોહતકમાં એક બુકીની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં બુકીની મમ્મીને પણ ગોળી વાગી હતી. ફોટો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ છે.