મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં અનમોલ બિસ્વાનોઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્‌યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યો છે. અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ આ કેસમાં લોરેન્સ બિશ્નોઈને પણ કસ્ટડીમાં લઈ શકે છે. તે હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.
પોલીસ આ મામલામાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું કે ફાયરિંગની જવાબદારી અનમોલ બિશ્નોઈએ લીધી હતી અને તપાસમાં તેની સંડોવણી પણ સામે આવી છે. જે બાદ મુંબઈ પોલીસે શુક્રવારે એલઓસી જારી કર્યું હતું. આ કેસમાં અનમોલ અને લોરેન્સ બિશ્નોઈને વોન્ટેડ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અનમોલ બિશ્નોઈ કેનેડામાં રહે છે અને અવારનવાર અમેરિકા જાય છે. પરંતુ તેણે જે એકાઉન્ટ પરથી ફેસબુક પર પોસ્ટ કરી હતી તેણે ફાયરિંગની જવાબદારી લીધી હતી. તેનું આઈપી એડ્રેસ પોર્ટુગલનું હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે, ૧૪ એપ્રિલની સવારે મોટરસાઇકલ સવાર બે શૂટરોએ બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કર્યો હતો. જે બાદ આ મામલામાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે કથિત હુમલાખોરો વિકી ગુપ્તા (૨૪) અને સાગર પાલ (૨૧)ની સાથે સોનુ કુમાર સુભાષ ચંદર બિશ્નોઈ (૩૭) અને અનુજ તપન (૩૨)ની ધરપકડ કરવામાં આવી હતી. વિકી ગુપ્તા અને સાગર પાલ બિહારના રહેવાસી છે. સોનુ અને અનુજે તેને ૧૫ માર્ચે બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ આપ્યા હતા. સોનુ અને અનુજ ફાઝિલ્કાના રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, બંને (સોનુ અને અનુજ) પંજાબના ગંગાપુરમાં નોંધાયેલા ફાયરિંગ કેસમાં લોરેન્સ અને અનમોલ બિશ્નોઈની સાથે સહ-આરોપી છે.