મોંઘવારી ફક્ત ભારતને જ નડી રહી છે તેવું નથી, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં મોંઘવારી રોકેટ ગતિએ આગળ વધી રહી છે. વર્ષ ૧૯૮૨ પછી તે ફરી એકવાર ૬.૮ ટકાના સ્તરે પહોંચી ગઈ છે. જા અમેરિકામાં મોંઘવારી જાવા મળે તો તેનો અર્થ એવો કરી શકાય કે ભારતીયોએ પણ આગામી વર્ષે મોંઘવારીના ડામ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ભારતીયોને આમ પણ દઝાડી રહ્યા છે, તેમા આ મોંઘવારી વધારે માર મારશે તેમ કહેવાય છે. આના લીધે ભારતીય અર્થતંત્રની રિકવરી પર પણ અસર પડી શકે છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં ફુગાવો વધવાનું મુખ્ય કારણ વાસ્તવમાં સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને અછત છે અને તેને કારણે ભાવ સતત વધી રહ્યા છે. આ વિક્ષેપ અને અછત કોરોનાના લીધે સર્જાઈ છે. કોરોનાએ કેટલાય સ્થળોએ સપ્લાય ચેઇન ખોરવી નાખી છે, તેના લીધે દરેક વસ્તુ વધુને વધુ પ્રમાણમાં મોંઘી થઈ રહી છે.
યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર યુએસમાં ગ્રાહક ભાવમાં એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં તીવ્ર વધારો જાવા મળ્યો છે. નવેમ્બર ૨૦૨૦ની સરખામણીમાં ગ્રાહક સ્તરના મોંઘવારી દરમાં ૬.૮ ટકાનો વધારો થયો છે. માસિક ધોરણે ઓક્ટોબરથી નવેમ્બરમાં કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો વધારો થયો છે. બ્યુરો અનુસાર અમેરિકામાં મોંઘવારીની આ સ્થિતિ ૧૯૮૨ બાદ ફરી એકવખત આવી છે.
પેટ્રોલ, ભાડા, ખાદ્ય પદાર્થો, નવી અને જૂની કાર અને ટ્રકની કિંમતોમાં વધારો થવાથી લગભગ તમામ કોમોડિટીઝ માટે ગ્રાહક ભાવ સૂચકાંકમાં વધારો વ્યાપક બન્યો છે. ખોરાક અને ઇંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારોને આ વર્ષે ભારે ફટકો પડયો છે કારણ કે તે તેમની આવકનો મોટો હિસ્સો ખર્ચી કાઢે છે.