વડીયામાં અંદાજે અઢી વર્ષ પહેલા સગીરને પોલીસ દ્વારા માર મારવાના કેસમાં આખરે કોર્ટ દ્વારા પોલીસકર્મીઓ જેમાં એક પીઆઈ, એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ સામેલ છે તેની સામે ફોજદારી કેસ ચલાવવા વડીયા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ગત તારીખ ૨૩/૫/૨૦૨૧ ના રોજ રાત્રીના નવ કલાકે વડીયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.ડી.સાંભડ તથા કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયાએ સગીરની માતાને દારૂના ગુન્હાના નામ હોય હાજર રહેવા કહ્યુ હતુ. ત્યારબાદ સગીરને વડીયા પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ કરી રકમની માંગણી કરી પટ્ટા વડે માર મારી ધમકી આપી હતી. બાદમાં પોલીસના ડરના લીધે સગીરની સારવાર અમરેલી એસ.ઓ.જી.ના પી.આઈ. એમ.એ.મોરી દ્વારા ધમકાવી થવા ના દેતા વધુ સારવાર અમદાવાદ ખાતે કરાવી હતી. બાદમાં પોલીસના ભયના લીધે સગીર પુત્રના માતા દ્વારા ન્યાય મેળવવા સેશન્સ કોર્ટ અમરેલી ખાતે પોસ્ટ મારફત ફરિયાદ મોકલવામાં આવી હતી. ફરિયાદી તથા ભોગ બનનાર સગીર તરફે એડવોકેટ મેહુલભાઈ રાઠોડ રોકાયેલા હતા.તપાસ અને પુરાવાના આધારે આરોપીઓ વડીયાના તત્કાલીન પી.એસ.આઈ એ.ડી.સાંભડ તથા કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા તેમજ તે સમયના અમરેલી એસ.ઓ.જી.ના પી.આઈ. એમ.એ.મોરી વિરુદ્ધમાં ફોજદારી કેસ ચલાવવા આજરોજ વડીયા પ્રિ.સિવિલ જજ દ્વારા હુકમ થયેલ છે.