અમરેલી જિલ્લાના લાઠી વહીવટી તંત્ર દ્વારા પવિત્ર યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય સેવાસેતુ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના નાગરિકલક્ષી અભિગમ મુજબ લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો પારદર્શક રીતે નિકાલ લાવવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ મામલતદાર રાજ્યગુરુ અને સરપંચ રમેશ બારડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
સરકારનો મુખ્ય હેતુ નાગરિકોને કચેરીઓના બિનજરૂરી ધક્કા અને આર્થિક ખર્ચમાંથી મુક્તિ અપાવી સમયની બચત કરવાનો છે. ૭ માર્ચના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગોના અલગ-અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્થળ પર જ આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ સુધારણા, કૃષિ, પશુપાલન તેમજ વારસાઈ અને જન્મ-મરણના પ્રમાણપત્રો જેવી અગત્યની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.









































