લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવીયાએ કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ ને આવકારતા જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે. તેમણે નાણાંમંત્રી નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તળાવીયાએ જણાવ્યું હતું કે, આ બજેટ ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ (GYAN) તથા દિવ્યાંગજનોના પાયા મજબૂત કરશે. બજેટમાં MSME પર ભાર મૂકવાથી લઘુ ઉદ્યોગોને ફાયદો થશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગને ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળશે. ટેક્સટાઇલ સેક્ટર માટેની ૬ યોજનાઓ અને ૩ કેમિકલ પાર્ક્સ તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ૧૦ હજાર કરોડની જાહેરાતનો સીધો લાભ ગુજરાતને મળશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ૫ લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર-૨ અને ટીયર-૩ શહેરોને ‘સિટી ઇકોનોમિક રિજીયોન’ બનાવવાની જાહેરાત અને મ્યુનિસીપલ બોન્ડને પ્રોત્સાહન મળવાથી રાજ્યના નાના શહેરોનો વિકાસ થશે. જામનગરના ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરનું અપગ્રેડેશન તથા લોથલ અને ધોળાવીરાનો ૧૫ પુરાતત્વીય વિરાસત ક્લસ્ટરમાં સમાવેશ થવાથી પ્રવાસન ક્ષેત્રે ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.