બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અનંત અંબાણી અને રાધિકાના લગ્ન જુલાઇમાં લંડનમાં યોજાશે. નીતા અંબાણીએ અનંત અંબાણીના લગ્નને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડીગ સમારોહ યોજાયો હતો, જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ, ખેલજગતથી લઈને મોટા રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવારનો આ કાર્યક્રમ માત્ર દેશમાં જ નહીં વિશ્વભરમાં પણ છવાયો હતો. અનંત અને રાધિકા ૧૨ જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવાના છે.
અહેવાલોમાં જણાવ્યા મુજબ અનંત અને રાધિકાના લગ્ન લંડન સ્થિત અંબાણી પરિવારના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે. એવું કહેવાય છે કે, જે રીતે ગુજરાતના જામનગરમાં પ્રિ-વેન્ડીગની ધમાકેદાર ઉજવણી કરાઈ હતી, તેવી જ રીતે લંડનમાં લગ્ન સમારંભ યોજાશે. બંનેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે અને નીતા અંબાણી તમામ એક-એક બાબત પર નજર રાખી રહ્યા છે.લંડન સ્થિત સ્ટોક પાર્ક એસ્ટેટની વાત કરીએ તો આ એસ્ટેટ ૩૦૦ એકરમાં પથરાયેલું છે. અહીં સુંદર અને શિલ્પાકૃતિઓ તેમજ તળાવો પણ આવેલા છે. એટલું જ નહીં અહીં ઐતિહાસિક ગાર્ડન પણ છે. આ આ એસ્ટેટને ફાઈવ સ્ટાર હોટલમાં ફેરવ દેવાયું છે. અહીં ૪૯ લક્ઝુરીયસ રૂમ આવેલા છે. તમામ રૂમમાં માર્બલના બાથરૂમ્સ છે. હોટલમાં ત્રણ હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ પણ છે. ૪૦૦૦ સ્ક્વેર ફુટમાં પથરાયેલું જીમ અને ફિટનેસ દિગ્ગજ સ્પોર્ટ્‌સ હસ્તીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. ઇનડોર સ્વિમીગ પૂલ, ૧૩ મલ્ટિ સરફેસ ટેનિસ કોર્ટ તેમ જ ૨૭ હોલ્સ ધરાવતા ગોલ્ફ કોર્સ પણ છે. ઘણા ઓછા લોકો જાણે છે કે ૧૫૮૧માં આ એસ્ટેટ ઇંગ્લેન્ડની રાણીનું નિવાસસ્થાન હતું.
અહેવાલો મુજબ લગ્ન સમારંભ માટે ઘણી બોલિવૂડ હસ્તીઓને આમંત્રણ મોકલી દેવાયું છે. આ ઉપરાંત આમંત્રણ કાર્ડની ખાસ માહિતી પણ સામે આવી છે. જે રીતે પ્રી-વેન્ડીગ ફંકશન માટે નવ પેજનું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું, તેનાથી પણ સ્પેશિયલ લગ્ન સમારંભ યોજાવાનો છે. જાકે લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાનાર લગ્ન સમારંભની થીમ અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. લગ્ન સમારંભમાં ભાગ લેનારા મહેમાનોની વાત કરીએ તો, તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, કેટરીના કૈફ સહિત ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે. અન્ય મળતી વિગતો મુજબ લંડનમાં જે લગ્ન સમારંભ યોજાવાનો છે, તે પ્રી-વેન્ડીગથી પણ વધુ લેવિશ અને મોટા લેવલ પર યોજાવાનો છે. એવું કહેવાય છે કે, સ્ટોક પાર્કમાં કાકટેલ અથવા સંગીત નાઈટ પણ યોજવામાં આવશે.
અગાઉ પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી અનંત-રાધિકાનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડીગ કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં યોજાયો હતો, જેમાં વિશ્વભરની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ માટે અંબાણી પરિવારે નવ પાનાનું આકર્ષક પ્રિ-વેન્ડીગ આમંત્રણ કાર્ડ તૈયાર કર્યું હતું, જેમાં વોર્ડરોબ પ્લાનર, મહેમાનોના ચાર્ટર્ડ પ્લેન સહિતની તમામ માહિતી અપાઈ હતી. ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમમાં વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. તેમાં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ, માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્‌સ, અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના બિઝનેસમેનોએ હાજરી આપી હતી. આ ઉપરાંત રમત-ગમત જગતના સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, ડ્‌વેન બ્રાવો સહિતના ખેલાડીઓ પરિવાર સાથે આવ્યા હતા. તેમજ બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. એટલું જ નહીં કાર્યક્રમમાં પોપ સ્ટાર રિહાના અને દિલજીત દોસાંજેએ ધમાકેદાર પરફોર્મન્સ પણ કર્યું હતું.