પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના “અપમાન”નો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય ગૃહ સચિવે હવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી જવાબ માંગ્યો છે. મુખ્ય સચિવને સાંજે ૫ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમને એ પણ પૂછવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું ન હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બાગડોગરા એરપોર્ટ નજીક આદિવાસી સમુદાય માટે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના મંત્રીઓની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સ્થળ બદલવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અપમાન અંગે કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. તેમણે એમ પણ પૂછ્યું છે કે રાષ્ટ્રપતિની મુલાકાત અંગેના નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી.
કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પૂછ્યું છે કે આ કિસ્સામાં બ્લુ બુકના નિયમોનું પાલન કેમ કરવામાં આવ્યું નથી અને સ્થળ કેમ બદલવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિના કાફલાના રૂટ માટે વ્યવસ્થાના અભાવ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે એમ પણ પૂછ્યું છે કે રાષ્ટ્રપતિની મુલાકાત માટે પૂરતી વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી.મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિને આવકારવા અને વિદાય આપવા માટે કેમ હાજર ન હતા. ફક્ત સિલિગુડીના મેયર જ તેમનું સ્વાગત કરવા હાજર હતા. રાષ્ટ્રપતિ માટે બનાવેલા શૌચાલયમાં પાણી પણ નહોતું. વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલો માર્ગ કચરાથી ભરેલો હતો. દાર્જિલિંગના જિલ્લા મેજિસ્ટ્રેટ, સિલિગુડીના મુખ્ય સચિવ અને સહાયક પ્રશાસક આ માટે જવાબદાર છે. તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે? કૃપા કરીને આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં તમારો જવાબ સબમિટ કરો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે બાગડોગરા એરપોર્ટ નજીક આયોજિત આદિવાસી સમુદાયના કાર્યક્રમમાં ઓછી હાજરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો અને સ્થળને બિધાનનગરથી ખસેડવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના મંત્રીઓની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો.
સભાને સંબોધતા મુર્મુએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે રાષ્ટ્રપતિ મુલાકાત લે છે, ત્યારે મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરવું જાઈએ, અને અન્ય મંત્રીઓએ પણ હાજર રહેવું જાઈએ, પરંતુ તેઓ (મમતા બેનર્જી) આવ્યા ન હતા. રાજ્યપાલ બદલાયા છે અને તેથી આવી શક્યા નથી, પરંતુ તારીખ નક્કી થઈ ગઈ હોવાથી હું આવી છું. કોઈ વાંધો નહીં. અહીં આવવા બદલ આપ સૌનો આભાર.”તેમણે વિધાનનગરથી કાર્યક્રમ ખસેડવા પર પણ નારાજગી વ્યક્ત કરી. રાષ્ટ્રપતિએ કહ્યું, “મમતા બેનર્જી મારી ‘નાની બહેન’ જેવી છે. હું પણ બંગાળની પુત્રી છું, પરંતુ મને ખબર નથી કે મને ત્યાં કેમ જવા દેવામાં આવી નહીં. મને ખબર નથી કે તે ગુસ્સે છે કે નહીં. ગમે તે હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમે બધા સારા રહો.”







































