એક તરફ દુનિયાભરમાં ઘણી ટી ૨૦ લીગ રમાઈ રહી છે તો બીજી તરફ આ લીગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટમાં હવે ફિસકીગનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ભારતીય નાગરિક યુની પટેલ, લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટમાં એક ટીમના માલિક, પી આકાશ સાથે મેચ ફિકસીગ માટે આરોપો ઘડવામાં આવી રહ્યા છે.અહેવાલ મુજબ કોલંબો મેજિસ્ટ્રેટ કોર્ટના એક અધિકારીએ આ માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ગયા શુક્રવારે કોર્ટે યુની પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી અને બંને પર લાદવામાં આવેલ મુસાફરી પ્રતિબંધ એક મહિના માટે લંબાવવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે યુની પટેલ આ ટૂર્નામેન્ટમાં કેન્ડી સ્વેમ્પ આર્મી ટીમના માલિક છે. આકાશ પંજાબ રોયલ્સનો મેનેજર છે અને બંને સામે આરોપો ઘડવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાલ્લેકલેમાં ૮ થી ૧૯ માર્ચ દરમિયાન લિજેન્ડ્‌સ લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  ટુર્નામેન્ટની ફાઈનલ રાજસ્થાન કિંગ્સે જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને સુરેશ રૈના જેવા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.
શ્રીલંકાના ભૂતપૂર્વ વનડે કેપ્ટન અને શ્રીલંકાની રાષ્ટ્રય પસંદગી સમિતિના અધ્યક્ષ ઉપુલ થરંગા અને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી નીલ બ્રૂમનો ફિસકીગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓએ રમત મંત્રાલયની સમિતિને ફરિયાદ કરી હતી. બંને ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને ખરાબ રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફરિયાદ બાદ શ્રીલંકાની કોર્ટે આરોપી યુની પટેલ અને આકાશને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
તમને જણાવી દઈએ કે શ્રીલંકા પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ છે જેણે મેચ ફિકસીગ અને રમતમાં ભ્રષ્ટાચારને અપરાધ તરીકે સામેલ કર્યો છે. શ્રીલંકાએ વર્ષ ૨૦૧૯માં આ જાખમ સામે કાયદો પસાર કર્યો હતો. શ્રીલંકામાં ફિસકીગમાં દોષિત ઠરનાર કોઈપણ વ્યક્તિને ૧૦ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.