વર્તમાનમાં ઇઝરાયેલ અને અમેરિકા તેમજ ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં અમેરિકા વિશે તો સમજાય કે તેણે અનેક પાપો કરેલાં છે. તેથી તેને આક્રમણખોર માની લેવામાં આવે. પણ ઇઝરાયેલને કેમ આક્રમણખોર માની લેવામાં આવે છે?
સેક્યુલરો સદા ઇઝરાયેલ અને મુસ્લિમ દેશોનો ઈ. સ. ૧૯૪૮ પછીનો ઇતિહાસ બતાવે છે અને એમ કહે છે કે યહૂદીઓએ મુસ્લિમોને ખદેડીને ઇઝરાયેલ પચાવી પાડ્‌યું. પરંતુ તેનો ખરો ઇતિહાસ ઇસવીસન પૂર્વેથી ચાલુ થાય છે.
અબ્રાહમિક પંથો
મૂળ તો અબ્રાહમમાંથી જ યહુદી પંથ થયો. અબ્રાહમના દીકરા ઈસાકના વંશમાં જિસસ ક્રાઇસ્ટ અથવા ઈશુ ખ્રિસ્ત થયા.યહૂદી પંથ ખ્રિસ્તી પંથ કરતાં ૧,૯૭૫/૧,૯૭૭ વર્ષ જૂનો છે.
અબ્રાહમના બીજા દીકરા ઇસ્માઇલમાંથી આગળ જતાં મોહમ્મદ પયગંબર થયા. ઇસ્લામની શરૂઆત ઈ. સ. ૬૧૦માં થઈ. યહૂદી પંથ ઇસ્લામ કરતાં અંદાજે ૨,૫૫૮ વર્ષ જૂનો છે. એક રીતે એમ કહી શકાય કે ખ્રિસ્તી અને ઇસ્લામ બંને યહૂદી પંથના ફાંટા છે.તો પછી મુસ્લિમોનો યહૂદીઓ સાથે ઝઘડો કેમ ચાલુ થયો? તે જાણતા પહેલાં એ જાણવું પડશે કે જેમ ભારત પર શક, હુણ, યુનાની, કુષાણ, આરબો, તુર્કો, મુગલો વગેરેએ આક્રમણો કર્યાં તેમ ઇઝરાયેલ પર આરબ મુસ્લિમો પહેલાં કોણે-કોણે આક્રમણો કર્યાં?
યહૂદીઓ પર આક્રમણોનો ટૂંકો ઇતિહાસ
૧. ઈ. સ. પૂર્વે ૧૧મીથી લઈને આઠમી સદીમાં ફિલિસ્ટાઇન્સના લોકોએ ઇઝરાયેલ પર આક્રમણ કર્યું. તેઓ સતત આક્રમણો કરતાં અને પાકને ભયંકર નુકસાન પહોંચાડતા.
૨. ઇજિપ્તના રાજા શિશાકે ઈ. સ. પૂર્વે ૯૨૫માં જેરુસલેમ પર આક્રમણ કર્યું હતું. તેણે સોલોમન મંદિરમાંથી મોટા પાયે લૂટ કરી હતી.
૩. ઈ. સ. પૂર્વે ૭૨૨માં એસિરિયા (વર્તમાન ભૂગોળ સંદર્ભે (ઈરાક, ઈરાન, સિરિયા અને તુર્કીના પ્રદેશોથી બનેલો દેશ)ના રાજા પુલ અને પછી સર્ગોન દ્વિતીયએ આક્રમણ કરતાં યહૂદીઓને ત્યાંથી ભાગવું પડ્‌યું હતું.
૪. ઈ. સ. પૂર્વે ૬૦૫માં બેબિલાન (વર્તમાન સંદર્ભમાં કંઈક અંશે ઈરાક)ના રાજાઓના આક્રમણો ઇઝરાયેલ પર શરૂ થઈ ગયાં હતાં.ઈ. સ. ૫૮૦માં બેબિલાનના રાજા નેબુચદનઝીરેયહૂદીઓના રાજા સોલોમને બનાવેલું મંદિર તોડી પાડ્‌યું હતું. (રાજા સોલોમનના શાસનકાળને યહૂદીઓ માટે સુવર્ણ સમય ગણાય છે.)
આ મંદિર હિન્દુ મંદિર જેવું જ હતું. હિન્દુ મંદિરમાં ગર્ભગૃહ હોય છે તેમ સોલોમનના મંદિરમાં ‘હાલી આૅફ હાલિઝ’ હતું. હિન્દુ મંદિરમાં ધ્વજસ્તંભ હોય છે તેમ યહૂદીઓના મંદિરમાં કાંસ્યના જાડા સ્તંભો હતા. સોલોમનના મંદિરમાં ગર્ભગૃહમાં પ્રવેશ ખૂબ જ નિયંત્રિત હતો. જે રીતે શિવમંદિરમાં નંદી હોય છે તેમ સોલોમનના મંદિરમાં બાર બળદની મૂર્તિ હતી.સૂર્યનો રથ પણ હતો. શ્રદ્ધાળુઓ પૂર્વ દિશા અભિમુખ રહીને ભગવાન સૂર્યની પૂજા કરતા હતા.
જેમ ભારતમાં મુસ્લિમોના આક્રમણોમાં માત્ર લૂટ નહોતી, પરંતુ મંદિરો તોડી પડાયાં હતાં, લૂટ કરાઈ હતી તેમબેબિલાનના રાજાઓના આક્રમણમાં ઇઝરાયેલનું મંદિર, ભવનો તોડી પડાયાં, લૂટ મચાવાઈ અને સાથે યહૂદીઓને ભાગવું પણ પડ્‌યું.
૫. ઈ. સ. પર્વે ૫૩૮માં પર્શિયા (વર્તમાન ઈરાન)ના (પારસી) રાજા સાઇરસ મહાને આક્રમણ કરી બેબિલાનના રાજાને હરાવ્યો. પારસી રાજાએ સોલોમનના મંદિરને પુનઃ બાંધવા અનુમતિ આપી. આમ, અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ જેવો જ ઇતિહાસ અહીં થયો. આ ફરીથી બંધાયેલું મંદિર છસ્સો વર્ષ સુધી રહ્યું.
૫. તેના પર સિકંદર અથવા એલેક્ઝાન્ડરે આક્રમણ કર્યું. શરૂઆતમાં ગ્રીક અને યહૂદીઓ વચ્ચે સારા સંબંધો રહ્યા, પરંતુ બાદમાં સંબંધો બગડ્‌યા. ગ્રીકોએ યહૂદીઓની કેટલીક પરંપરા અને રીતરિવાજો પર પ્રતિબંધો મૂક્યા. આથી યહૂદીઓએ વિદ્રોહ કર્યો અને જીત મેળવી. આ ઘટનાને યહૂદીઓ હનુક્કાહ ઉત્સવ તરીકે મનાવે છે. ગત ૧૪ ડિસેમ્બર ૨૦૨૫એ આૅસ્ટ્રેલિયાના સિડનીના બાન્ડી સમુદ્ર કિનારે હજારેક યહૂદીઓ આ હનુક્કાહ ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે બે મુસ્લિમ પિતા-પુત્રએ આક્રમણ કરી ૧૫ લોકોને મારી નાખ્યા હતા જેમાં ત્રણ મહિલા અને એક બાળકી પણ હતી. પચ્ચીસ વર્ષ સુધી યહૂદીઓ સ્વતંત્ર રહ્યા. આનું કારણ એ પણ હતું કે ગ્રીકો પર સતત રામન આક્રમણો થતાં હતાં.
૬. ઈ. સ. પૂર્વે૬૩માં રામન રાજા પામ્પીએ આક્રમણ કરી ફરીથી યહૂદીઓને દાસ બનાવી લીધા. ઈ. સ. ૭૦માં રામન સમ્રાટ ટિટસના નેતૃત્વમાં રામન સેનાએ જેરુસલેમનું આ સોલોમન મંદિર તોડી પાડ્‌યું. આમ, આ મંદિર બીજી વાર તૂટ્યું ! રામનો મંદિરનો ઘણો બધો ભાગ પોતાની સાથે રામ લઈ ગયા. તે સમયે ૧.૧૦ લાખ યહૂદીઓ મરી ગયા હતા. ૯૭,૦૦૦ યહૂદીઓને બંદી બનાવાયા હતા. જોકે યહૂદીઓને પોતાની જ ભૂમિ પરથી તગેડી નહોતા મૂકાયા કે ન તો તેમનું પંથાંતરણ કરાયું હતું. તેમને પોતાનો પંથ પાળવાની છૂટ હતી.
૭. ઈ. સ. ૧૧૭માં રામનો અને યહૂદીઓ વચ્ચે બીજું યુદ્ધ થયું. તેને કિટોસ યુદ્ધ પણ કહે છે. યહૂદીઓ હારી જતાં તેમનું વધુ એક સ્થળાંતર (ઍક્સાડસ) થયું.
૮. ઈ. સ. ૧૩૨થી ૧૩૬ વચ્ચે રામન અને યહૂદીઓ વચ્ચેનું ત્રીજું યુદ્ધ થયું. સાઇમન બાર ખોખબાએ આ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હોવાથી તેને બાર ખોખબા વિદ્રોહ કહે છે. આ વિદ્રોહને રામનોએ કચડી નાખ્યો. આથી યહૂદીઓની ઇઝરાયેલમાંથી સંખ્યા ખૂબ જ ઘટી ગઈ. ઇઝરાયેલમાં બાજુના સિરિયા, ફાએનિશિયા (અત્યારનું લેબેનોન, સિરિયાનો કેટલોક ભાગ) અને અરેબિયાના લોકો ત્યાં આવી ગયા.
૯. ઈ. સ. ૩૨૬થી ૩૨૮ દરમિયાન સમ્રાટ કાન્સ્ટેન્ટિને ખ્રિસ્તી પંથને સ્વીકારી લીધો. હવે ચર્ચ આૅફ નેટિવિટી સાથે જેરુસલેમ ખ્રિસ્તી આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું. યહૂદીઓને જેરુસલેમમાં રહેવાની પણ હવે પરવાનગી નહોતી !
૧૦. ઈ. સ. ૩૯૦માં ઇઝરાયેલનો પ્રદેશ બાયઝેન્ટાઇન સામ્રાજ્ય હેઠળ આવ્યો અને ખ્રિસ્તી પંથ તેનો મુખ્ય પંથ બની ગયો. શાસકોએ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓને અહીં જમીન ફાળવી. યહૂદીઓ પર દમન વધતું ગયું. તેમને તેમના નવાં ઉપાસનાકેન્દ્રો બનાવવાની અનુમતિ નહોતી. તેમને સરકારી પદો પણ મળી ન શકે.
૧૧. ઈ. સ. ૬૧૧માં પર્શિયા (વર્તમાન ઈરાન)ના પારસી રાજા ખોશરોએ આક્રમણ કર્યું જેને યહૂદીઓએ ટેકો આપ્યો. (આમ, ખરેખર તો યહૂદીઓ અને ઈરાનીઓ સાથે લડતા હતા. આવું બીજી વાર બન્યું હતું, પરંતુ આ ઈરાનીઓ પારસી હતા, મુસ્લિમો નહીં.) ફરીથી જેરુસલેમ યહૂદીઓ પાસે આવી ગયું. પરંતુ ઈ. સ. ૬૨૮માં ખોશરોના પુત્ર કાવડ દ્વિતીયએ બાયઝેન્ટાઇન એટલે કે પૂર્વ રામન સામ્રાજ્યની સાથે શાંતિ સમજૂતી કરતાં તેના સમ્રાટ હેરાક્લિયસે યહૂદીઓનો નરસંહાર કર્યો અને ફરીથી જેરુસલેમમાં યહૂદીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાઈ ગયો !
૧૨. ઈ. સ. ૬૩૫માં આરબ મુસ્લિમોનું ઇઝરાયેલ પર આક્રમણ થયું. જેરુસલેમમાં જ અલ અક્સા મસ્જિદ બનાવવામાં આવી.
૧૩. આઠમી સદીમાં ખલીફા ઉમર દ્વિતીયએ મુસ્લિમ ઇત્તર પ્રજા એટલે કે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ માટે તેઓ ઓળખાય તેવા ચોક્કસ રંગનાં કપડાં પહેરવાની પ્રથા શરૂ કરી. યહૂદીઓએ ગળા અને ટોપી પર પીળા સિતારા પહેરવાના. ખ્રિસ્તીઓએ ભૂરા. (ધારો કે આવું ભારતમાં મુસ્લિમો માટે શરૂ કરાય તો કેટલો હોબાળો મચે? ઇસ્લામોફાબિક એવાં વિશેષણો વાપરવામાં આવે. લઘુમતી દમન શબ્દ પણ વાપરવામાં આવે. માનવાધિકાર સંસ્થાઓ મેદાનમાં આવી જાય. ફિલ્મો બની જાય.) ભારતમાં જેમ મોગલ શાસકોએ મુસ્લિમેત્તર પ્રજા પર જઝિયા વેરો નાખ્યો હતો તેમ ઇઝરાયેલમાં પણ યહૂદીઓ અને ખ્રિસ્તીઓએ તેમનો પંથ જાળવી રાખવા જઝિયા વેરો ભરવો પડતો. જો ન ભરી શકે તો તેમને જેલ થતી અથવા તેનાથી કડક સજા થતી. (આવો વેરો અત્યારે કોઈ દેશમાં મુસ્લિમોએ ભરવાનો થાય તો?)
૧૪. ઈ. સ. ૧૦૧૦ આસપાસ ખલીફા અલ હકીમે ઈશુના કબરના સ્થાનનો નાશ કર્યો. દસ વર્ષ પછી જોકે તેને ફરી પાછું સોંપી દેવાયું.
૧૫. આરબ મુસ્લિમોના આક્રમણ પછી ઈઝરાયેલમાં જનસંખ્યાનું ગણિત ઝડપભેર બદલાવા લાગ્યું. (આવું દરેક દેશમાં થયું છે. જ્યાં જ્યાં આરબ/તુર્ક/મોગલો વગેરે ગયા ત્યાં ત્યાં તેમણે જનસંખ્યાનું ગણિત બદલી નાખ્યું.) મુસ્લિમો બહારથી આવવા લાગ્યા. પંથાંતરણ ઝડપભેર થવા લાગ્યું.
૧૬. ઈ. સ. ૧૦૯૫માં ખ્રિસ્તીઓના પાપ અર્બન દ્વિતીયએ મુસ્લિમો પાસેથી જેરુસલેમ પાછું લેવા પંથયુદ્ધ (ક્રુસેડ)ની હાકલ કરી. આવા ત્રીજા પંથયુદ્ધપછી મુસ્લિમ શાસન હેઠળ રહેલા જેરુસલેમમાં ખ્રિસ્તીઓને જવાની છૂટ મળી ગઈ. યહૂદીઓ તો હજુ પણ પ્રતિબંધિત જ રહ્યા. ઈ. સ. ૧૨૨૯માં છઠ્ઠા પંથયુદ્ધ પછી જેરુસલેમ ખ્રિસ્તીઓને મળી ગયું.
૧૯. પરંતુ ઈ. સ. ૧૨૪૪માં ખ્વારઝમિયન (જેણે મધ્ય એશિયા, ઈરાન અને અફઘાનિસ્તાન પર રાજ કર્યું) વંશના સુન્ની તુર્કોએ આક્રમણ કરી જેરુસલેમની ખ્રિસ્તી જનસંખ્યાનો નાશ કરી નાખ્યો. યહૂદીઓને ત્યાંથી હાંકી કાઢ્યા. આ શહેરનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. (આમ, ઇસ્લામના ઉદ્ભવ પછી ઈઝરાયેલ એ અગાઉ જેમ એસિરિયા, બેબિલાન, રામનો વગેરે માત્ર પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા આક્રમણ કરવા આવતા તેવું ન રહ્યું. હવે એ ખ્રિસ્તી વિરુદ્ધ મુસ્લિમ, યહૂદી વિરુદ્ધ મુસ્લિમ યુદ્ધનો અખાડો બની ગયો. ખલીફા ઉમર દ્વિતીયએ આક્રમણ કર્યું તે ઇસ્લામનો વિસ્તાર કરવા. સુન્ની તુર્કોએ આક્રમણ કર્યું તે ખ્રિસ્તીઓનું નિકંદન કાઢવા અને યહૂદીઓને ત્યાંથી હાંકી કાઢવા. (હવે સમજાય છે કે યહૂદીઓ- ખ્રિસ્તીઓ ગઠબંધન અને મુસ્લિમો વચ્ચે કેમ યુદ્ધ ચાલે છે?)
યહૂદીઓ પર વિશ્વ ભરમાં દમન થયું
યહૂદીઓ ઇઝરાયેલ છોડી જ્યાં ભાગ્યા હતા ત્યાં તેમના પર દમન થયું. ખ્રિસ્તી દેશોમાં વિશેષ કારણકે યહૂદીઓએ ઈશુને મારી નાખ્યા તેવું તેઓ માને. બ્લડ લિબેલ એટલે કે યહૂદી વિરોધી સેના બની જે પહેલાં યહૂદીઓ પર ખોટી રીતે ખ્રિસ્તીઓને મારી નાખવાનો અને તેમના લોહીનો પોતાની પંથીય વિધિમાં ઉપયોગ કરવાનો આક્ષેપ કરે છે. યહૂદીઓને હવે બીજા દેશોમાંથી પણ કાઢી મૂકાવા લાગ્યા. તેમનું બળજબરીથી પંથાંતરણ થવા લાગ્યું. તેમની હત્યાઓ કરાવા લાગી. ખ્રિસ્તીઓ માનતા કે યહૂદીઓ શેતાનને સાધીને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરે છે !
એટલે સાતમી સદીમાં જ સ્પેનમાં વિસિગાથિક રાજ્યએ યહૂદીઓ વિરોધી આદેશો આપેલા. પરંતુ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે પંથયુદ્ધો થયા તેમાં ખો યહૂદીઓનો વધુ નીકળ્યો.
પહેલા પંથયુદ્ધ વખતે ઈ. સ. ૧૦૯૬માં જર્મનીમાં ખ્રિસ્તીઓએ મોટા પાયે યહૂદીઓનો નરસંહાર કર્યો. (હિટલર પહેલાં). બીજા પંથયુદ્ધ વખતે ઈ. સ. ૧૧૪૭માં ફ્રાન્સમાં યહૂદીઓ પર અત્યાચારો થયા, તેમની હત્યાઓ થઈ. ઈ. સ. ૧૨૫૧થી ઈ. સ. ૧૩૨૦ દરમિયાન ફ્રાન્સમાં શેફર્ડની ક્રુસેડમાં યહૂદીઓનું નિકંદન કઢાયું.રિચાર્ડ ધ લાયનહાર્ટના શાસનમાં લંડનમાં યહૂદીઓ પર આક્રમણો કરાયાં. ત્રીજા પંથયુદ્ધ વખતે ઇંગ્લેન્ડમાં યહૂદીઓની હત્યા કરવા મોટા પાયે હિંસા ફાટી નીકળી. ઈ. સ. ૧૨૯૮માં એક લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી !
ઈ. સ. ૧૩૩૦ અને ઈ. સ. ૧૩૩૬માં જર્મનીમાં, ઈ. સ. ૧૩૩૮-૧૩૩૯માં ફ્રાન્સમાં યહૂદીઓ વિરુદ્ધ હિંસા થઈ. જે બચ્યા તેમને ભગાડવામાં આવ્યા. ઈ. સ. ૧૩૯૬માં એક લાખ યહૂદીઓને ફ્રાન્સમાંથી અને ઈ. સ. ૧૪૨૧માં હજારો યહૂદીઓને આૅસ્ટ્રિયામાંથી ભગાડવામાં આવ્યા. તેમાંના ઘણા ભાગીને પાલેન્ડ ગયા.
૧૪મી સદીના મધ્યમાં યુરોપમાં બ્લેક ડેથ પ્લેગ ફાટી નીકળ્યો તો એવી અફવાઓ ફેલાવવામાં આવી કે આ રોગચાળો યહૂદીઓએ ફેલાવ્યો છે ! પરિણામે હિંસામાં સેંકડો યહૂદીઓની હત્યા થઈ ગઈ ! ઈ. સ. ૧૩૪૯માં ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં ૯૦૦ યહૂદીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા ! અને નવાઈની વાત તો એ હતી કે ત્યાં પ્લેગ હતો જ નહીં ! કેવી ઘૃણા ! ઈ. સ. ૧૩૯૧માં સ્પેનમાં હજારો યહૂદીઓને હિંસામાં મારી નખાયા.
ખ્રિસ્તી સત્તાધીશોએ જેમને માર્યા નહીં તે યહૂદીઓ પર કેવાં નિયંત્રણો નાખેલાં, કેવું દમન કરેલું તે પણ જોવા જેવું છે. આ યહૂદીઓએ ખ્રિસ્તીઓની દૃષ્ટિએ હિણપતભર્યા ગણાય તેવાં ધંધા-વ્યવસાય કરવાના. ખ્રિસ્તીઓ વેરા અને ભાડા વસૂલીને તેમજ પૈસા ઉધાર આપવાને પાપ માનતા. આથી આ વ્યવસાય તેમણે યહૂદીઓને આપી દીધો. આના લીધે યહૂદીઓની છાપ શોષકની બની ગઈ. શ્રમિકોને યહૂદીઓ પોતાના શત્રુ લાગવા લાગ્યા. યહૂદીઓને અલગ વસાહતમાં રહેવું પડતું. તેમને પોતાની ભૂમિ ખરીદવાની છૂટ નહોતી. તેઓ પોતાના સિવાયના જિલ્લાઓમાં પ્રવેશે તો તેમને વેરો ભરવો પડતો.
મુસ્લિમોએ જેવો આદેશ યહૂદી-ખ્રિસ્તીઓ માટે આપેલો તેવો આદેશ પાપ ઇન્નાસન્ટ તૃત્તીયએ એપ્રિલ ૧૨૧૩માં યહૂદીઓ અને મુસ્લિમો માટે આપ્યો. તેમણે તેમની તરત ઓળખ થઈ જાય તેવાં કપડાં પહેરવાના. આજે યહૂદીઓની ઓળખ જે હૅટ (ટોપી)થી થાય છે તે એટલા માટે કે પાપે યહૂદીઓ માટે તે પહેરવી અનિવાર્ય બનાવી હતી. તેમણે શર્ટ વગેરે પર બૅજ પહેરવો પડતો.
યહૂદીઓ પર આવો અત્યાચાર દુનિયાભરમાં (માત્ર ભારત સિવાય) બધે જ ચાલતો રહ્યો. હિટલરના સમય સુધી આવું થયું. કુખ્યાત થયો માત્ર હિટલર કારણકે તે ખ્રિસ્તીઓ-અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ વગેરેનો શત્રુ હતો. પરંતુ યહૂદીઓને આપત્તિમાં આશીર્વાદ જેવું એ થયું કે દુનિયાભરની તેમને સહાનુભૂતિ મળી ગઈ. તેમને પોતાની ભૂમિ ઇઝરાયેલ મળી ગઈ.જોકે ગાંધીજીની માત્ર ખોખલી સહાનુભૂતિ તેમને મળી. તેમને પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલની રચના થાય તેનો વિરોધ હતો. ગાંધીજીના જે વિચારો હિન્દુઓ માટે હતા તે જ વિચારો યહૂદીઓ માટે પણ હતા. ગાંધીજીએ કહેલું કે “હિટલરે ૫૦ લાખ યહૂદીઓને મારી નાખ્યા, તે ખોટું થયું છે. પરંતુ યહૂદીઓએ પોતાને કસાઈના ચાકુને શરણે થઈ જવાની આવશ્યકતા હતી. તેમણે પર્વતો પરથી સમુદ્રમાં કૂદીને આપઘાત કરવાની આવશ્યકતા હતી. તેનાથી દુનિયા જાગૃત થઈ જાત.”
આ યહૂદી પ્રજા પર ઇઝરાયેલની રચના પછી પણ ત્રાસવાદી આક્રમણો ચાલુ છે. તેઓ તેનો પ્રતિકાર કરે છે, પરંતુ હિટલરના હિંસાચારને બાદ કરતાં મુસ્લિમ ત્રાસવાદી સંગઠનો અને ઈરાન વગેરે મુસ્લિમ દેશોના સંદર્ભે તેમની તરફેણમાં નેરેટિવ બનાવી શકતી નથી. મીડિયા અને ફિલ્મોદ્યોગનો તેને સાથ નથી.