અયોધ્યાના રાજા ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.મેરે ઘર રામ આયે હૈ.. આટલું વાક્ય જો મનુષ્યના હૃદયમાં ખીલી જાય તો તમામ દુઃખ, દર્દ અને વેદના કાયમ માટે મટી જાય. ભારતીય સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાને વરેલી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રામચંદ્રના સામાજિક આદર્શો અને પારિવારિક ભાવના કેટલી ઉચ્ચ કક્ષાની હતી તે રામાયણમાં જોવા મળે છે. રામાયણ એવું મહાકાવ્ય છે કે જેના વાંચનથી રાક્ષસ પણ માણસ બની જાય. વાલ્મિકી રચિત રામાયણએ માનવ સમાજને આપેલો અમૂલ્ય આધ્યાત્મિક અને સંસ્કારીતાનો અજોડ ગ્રંથ છે. અધર્મ સામે ધર્મનો વિજય એટલે રામાયણ. ધર્મના આચરણનું વાતાવરણ અને ભાવાવરણ માનવીના હૃદયમાં અંકિત કરતો ગ્રંથ એટલે રામાયણ. ભાઈ ભાઈ વચ્ચે ત્યાગ, સમર્પણ અને લોહીના સંબંધની જ્યોત પ્રગટાવવાનો જો કાર્ય કર્યું હોય તો તે રામાયણ છે.
આજે બે ભાઈઓ જમીનના એક ટુકડા માટે કોર્ટ,કચેરી અને હત્યા સુધી પહોંચે છે. રામાયણ એ ભગવાન રામચંદ્રના આદર્શો અને સામાજિક મૂલ્યો થકી જીવન જીવવાની કલા શીખવે છે. આજે મોટાભાગે લક્ષ્મી (ધનલાલસા) માટેની રામાયણ છે. મારું મારું આગવું અને તારામાં મારો ભાગ. આ ભાવના આવી ત્યારે દરેકના ઘરે મહાભારતનો જન્મ થયો.
આજે બાળકો મા-બાપને વાશ્રમમાં મૂકી આવે છે, તે સમયે દશરથ રાજાની એક આજ્ઞાથી ૧૪ વર્ષનો વનવાસ ભગવાન રામચંદ્ર એ સહર્ષ અને આનંદથી સ્વીકારી લીધો. આવા જ પુત્રો મા બાપની સેવા કરી શકે છે. એટલે જ રામાયણ આદર્શ ગ્રંથ છે. ત્યાગ કરવાની ભાવના લક્ષ્મણમાં અને પતિના પગલે પગલે ચાલવાની નેમ માતા સીતાજીમાંથી આજની નારીઓએ શીખવા જેવી છે. આજે તો પરિવારમાં મોટાભાગના નિર્ણયો હોમ મિનિસ્ટર લેતા હોય છે. પુરુષોને તો જાહેરમાં ઉતારી પાડતી સતિ સાવિત્રીના અડિંગો લગાવીને બેફામ વર્તન કરતી, પારિવારિક ઝેર આંકતી નારીઓના દાખલા રોજબરોજ કોર્ટ, કચેરી અને ઘરે ઘરે જોવા મળે  છે.ખાલી નામનું સિંદૂર લગાવવાની ફેશન બની ગઈ છે. હવે તો એ પણ લગાવતી નથી. હું સમગ્ર નારી જાતની વાત નથી કરતો પરંતુ બે પાંચ ટકાના કારણે સમગ્ર પરિવારમાં મહાભારત નિર્માણ કરવામાં કોનો ફાળો છે તે સંશોધન કરવાનો વિષય છે. સાસુ સસરા કે પારિવારિક વ્યક્તિઓ સાથેનું એટેચમેન્ટ ના હોય ત્યારે મહાભારત નિર્માણ થાય છે. રામાયણ નિર્માણ કરવું હોય તો ત્યાગ, સમર્પણ અને પારિવારિક ભાવના કેળવવાથી મેરે ઘર રામ આયે હૈ તે ચોક્કસ આકાર અને સાકર થશે.
રામનવમીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવાતો પવિત્ર હિન્દુ તહેવાર છે, જે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર અને આદર્શ રાજા ‘મર્યાદા પુરુષોત્તમ’ રામના જન્મદિન તરીકે ઉજવાય છે. આ તહેવાર અસત્ય પર સત્ય અને અનિષ્ટ પર સારાના વિજયના પ્રતિક તરીકે ઉજવાય છે,જે જીવનમાં ધર્મ, નૈતિકતા અને ફરજનું મહત્વ સમજાવે છે.રામનવમી ભગવાન રામના જન્મની યાદ અપાવે છે, જેઓ માનવતાના આદર્શ અને ગુણોના પ્રતિક છે.આ દિવસે મંદિરોમાં અને ઘરોમાં શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ધર્મ અને નૈતિકતા આ દિવસ માનવીને ધર્મના માર્ગ પર ચાલવાની અને રામની જેમ ફરજ, સન્માન તથા બલિદાનના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપે છે.રામકથા અને ભજન લોકો રામાયણ તથા રામચરિતમાનસનું પઠન કરે છે, ભજન-કિર્તન કરે છે અને રામજન્મનો ઉત્સવ મનાવે છે.અયોધ્યામાં વિશેષ ઉજવણી આ દિવસે સરયૂ નદીમાં સ્નાન અને રામમંદિરમાં વિશેષ દર્શન-પૂજનનું વિશેષ મહત્વ છે. રામનવમીનું સાંસ્કૃતિક મહત્વ છે.રામનવમી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં આદર્શ કૌટુંબિક અને સામાજિક મૂલ્યોને પુનર્જીવિત કરવાનો દિવસ છે. આ દિવસે ઉપવાસ કરવો અને રામભક્તિ કરવી એ આત્માની શુદ્ધિ માટેનું સાધન માનવામાં આવે છે.
રામ જન્મભૂમિ પર પગ મુકવાથી માનવીના આચાર વિચારમાં પરિવર્તન આવે તો જ રામ જન્મદિવસ સાકાર થયો ગણાશે. ભૌતિક સુખ સગવડ અને લાલસા શ્રણભંગુર છે. ત્યાગ અને પારિવારિક ભાવના એ રામાયણનો વારસો છે. સર્વ મારા વાચક વર્ગને રામનવમીની શુભકામનાઓ. કશું જ ના કરીએ પરંતુ મૌન રહીને અંતરથી ભગવાન રામચંદ્રનું સ્મરણ કરીએ તે જ સૌથી મોટી રામનવમી છે. જય શ્રી રામ.. mo.૯૮૨૫૭૦૨૨૮૨