અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવિયા પીપરીયા ગામે આવેલ સુપ્રસિદ્ધ ગેલ માતાજીના મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પાંચ જેટલા અજાણ્યા ચોર ઈસમોએ ગર્ભગૃહના તાળા તોડી માતાજીના સોના-ચાંદીના છત્તર અને દાગીના મળી કુલ રૂ.૧૩,૮૬,૦૦૦ની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે માલવિયા પીપરીયા ગામે રહેતા હિંમતભાઇ બાબુભાઇ માલવિયા (ઉ.વ.૫૧) અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, આ ચોરીની ઘટના તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૦૧ઃ૧૩ થી ૦૧ઃ૩૦ વાગ્યાના ટૂંકા ગાળામાં બની હતી. સીસીટીવી ફૂટેજ અને પ્રાથમિક તપાસમાં પાંચ અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશતા હોવાનું જોવા મળ્યું હતું. તસ્કરોએ ગર્ભગૃહના મુખ્ય દરવાજાનો અંદરનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો માતાજીની મૂર્તિ પર શણગારેલા ચાંદીના છત્તર – ૮ કિલોગ્રામનું એક મોટું છત્તર (કિ.રૂ. ૧૦.૪૦ લાખ) અને ૧.૫ કિલોગ્રામના અન્ય ત્રણ નાના છત્તર (કિ.રૂ. ૧.૮૦ લાખ), સોનાનો ચેન – દોઢ તોલા વજનનો સોનાનો ચેન (કિ.રૂ. ૧.૪૦ લાખ), અન્ય વસ્તુઓ ૧૦૦ ગ્રામના ચાંદીના ઝાંઝર અને પૂજામાં વપરાતા ચાંદીના બે ગ્લાસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મંદિરમાં ચોરીની જાણ થતા જ ગ્રામજનો અને ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા. બનાવ અંગે લાઠી પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં થયેલી આ મોટી ચોરીને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી. લાઠી પોલીસ સ્ટેશનના પી આઈ એસ એમ સોની વધુ તપાસ કરી રહ્યા છે.








































