લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં કોંગ્રેસ પક્ષમાં મુસ્લીમ નેતાઓની નારાજગી વધવા લાગી છે. પહેલા બાબા સિદ્દીકી અને પૂર્વ સીએમ એઆર અંતુલેના જમાઈ મુશ્તાક અંતુલેએ પાર્ટી છોડી દીધી હતી. હવે પૂર્વ મંત્રી મોહમ્મદ આરિફ ઉર્ફે નસીમ ખાન જલ્દી જ મોટો નિર્ણય લઈ શકે છે. અસલમાં નસીમ ખાન મુંબઈની નોર્થ સેન્ટ્રલ સીટ પરથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ છે. આ અંગે તેમણે કહ્યું કે મને કોંગ્રેસ પાર્ટી દ્વારા બે મહિના પહેલા કહેવામાં આવ્યું હતું કે તમે મુંબઈની ઉત્તર મધ્ય બેઠક પરથી ચૂંટણીની તૈયારી કરો. મેં ટિકિટ માંગી નથી. પરંતુ છેલ્લી ઘડીએ ટિકિટ અન્ય કોઈને આપવામાં આવી હતી. હું આનાથી ગુસ્સે અને દુઃખી બંને છું.
આ સંદર્ભમાં નસીમ ખાને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેને પત્ર પણ લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, ‘લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના સ્ટાર પ્રચારકોની યાદીમાં મને સામેલ કરવા બદલ તમારો આભાર. પરંતુ હું જણાવવા માંગુ છું કે હું ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કા માટે પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર નહીં કરી શકું. તેમણે કહ્યું કે કુલ ૪૮ લોકસભા સીટોમાંથી એક પણ મુસ્લીમને મહાવિકાસ અઘાડીએ સીટ આપી નથી. તેની અસર કોંગ્રેસ અને એમવીએના મતદારોને થશે. તેની અસર વર્તમાન લોકસભા ચૂંટણી પર પણ પડશે.
તેમણે કહ્યું કે હું નારાજ છું અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મારી નારાજગી વ્યક્ત કરીશ. હું ૫ વખત મંત્રી રહ્યો છું. જ્યાં કોંગ્રેસને જરૂર પડી છે ત્યાં હું અન્ય રાજ્યોમાં પ્રચાર માટે ગયો છું. મેં પાર્ટીના વફાદાર કાર્યકરની જેમ કામ કર્યું છે. પરંતુ હવે હું આ ઘટનાથી દુખી છું. કોંગ્રેસનું નેતૃત્વ પક્ષના કલ્યાણ માટેના નિર્ણયો કેમ લઈ શકતું નથી? ટિકિટ વિતરણમાં મુસ્લીમ સમાજને કેમ બાકાત રાખવામાં આવ્યો? પાર્ટી હાઈકમાન્ડે આ અંગે વિચારવું જાઈએ. મુસ્લીમોની આ ઉદાસીનતાનો લાભ ઓવૈસી કે પ્રકાશ આંબેડકર જેવા નેતાઓ લઈ શકે છે. હાઈકમાન્ડે આ અંગે વિચારવું જાઈએ.