વિદ્યા હવે બહુ ફિલ્મો નથી કરતી. તે બહુ ઓછા પ્રોજેક્ટમાં જોવા મળે છે. આ અંગે એ કહે છે કે ફિલ્મો ઓછી કરું છું પણ દર વર્ષે એક ફિલ્મ કે વેબ ફિલ્મ હોય એવો પ્રયત્ન કરું છું. અલબત્ત, છેલ્લે શકુન્તલા દેવી પછીના મારા બંને પ્રોજેક્ટ નિષ્ફળ ગયા એટલે દર્શકોને એમ લાગે છે કે હું બ્રેક ઉપર છું. ખરેખર એવું નથી, મેં શાંતિથી મારી ઉપર જચે એવા રોલ કરવાનું જ નક્કી કર્યું છે. આમ પણ મારા ભરાવદાર શરીરને કારણે હું પાતળી પરમાર એક્ટ્રેસીસ જેવા રોલ નથી કરી શકતી. એ માટે કદાચ મારે વજન ઘટાડવું પડે તો એ મને મંજૂર નથી. મંજૂર એટલે નથી, કેમ કે એ મારાથી થશે નહીં.
હાલ વિદ્યા દો ઔર દો પ્યારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં એની સાથે પ્રતીક ગાંધી કામ કરી રહ્યો છે. દો ઔર દો પ્યાર ફિલ્મ વિશે અને પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં એ કહે છે કે આ ફિલ્મમાં મારું કેરેક્ટર બોલ્ડ છે, એક પતિ અને બોયફ્રેન્ડ બંને ધરાવે છે તેમ છતાં ડીવા ટાઇપ નથી. મતલબ કે માડેલ જેવી નહીં પણ સામાન્ય સ્ત્રી જે ટેલેન્ટેડ છે, લાગણીશીલ છે, અલ્લડ છે અને જિદ્દી પણ છે. પતિ સાથેના અણબનાવે એને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવા પ્રેરી છે. વિદ્યા કહે છે કે આ ફિલ્મમાં મારે નેચરલ  જ રહેવાનું હતું, રૂપ રૂપનો અંબાર કે પાતળી પરમાર નહોતું બનવાનું, વળી ફિલ્મની વાર્તા પણ મને ગમી હતી. એક હળવી પણ ઘણું શીખવતી ફિલ્મ છે. વાર્તા ખૂબ મજેદાર લાગી હતી એટલે મેં એ સાઇન કરી લીધી. મને કામ કરવાની મજા આવશે એવું હું પહેલાં વિચારતી હોઉં છું. જો મને વાઇબ આવે તો એ પ્રોજેક્ટ માટે તરત હા કહી દઉં છું. આમ પણ આ નોર્મલ કપલની લાઇફ દર્શાવતી ફિલ્મ છે. આવી કથા મને કાયમ આકર્ષી છે. મેં જ્યારે ઇશકીયાં ફિલ્મ કરી ત્યારે આ જ વિચારીને ફિલ્મ સાઇન કરી હતી. ઇશકીયાં ફિલ્મનું ક્રિષ્નાનું કેરેક્ટર મને ખૂબ ગમતું કેરેક્ટર હતું. આજે પણ મને કોઇ પૂછે કે તમે નીભાવેલાં તમામ કેરેક્ટરમાંથી સૌથી ગમતો રોલ તો પહેલાં સિલ્ક સ્મિતા કે પરિણીતા નહીં કહું. પહેલાં ઇશકીયાં ફિલ્મનું જ કહીશ.
પોતાના કો-સ્ટાર પ્રતીક વિશે વાત કરતાં વિદ્યા કહે છે કે એ ખૂબ જ નેચરલ એક્ટર છે. એની સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો. બસ, એને ઠંડી નથી લાગતી અને કડકડતી ઠંડીમાં એ આપણને એવી સલાહ આપે કે આ બધું મગજમાં હોય. મગજથી વિચારો કે ઠંડી નથી તો ઠંડી ગાયબ થઇ જશે. એની આ વાત મને બહુ ગુસ્સો અપાવતી, કારણ મને બહુ ઠંડી લાગે છે. સામે પ્રતીક પણ વિદ્યાનાં વખાણ કરતાં થાકતો નહોતો.