ભાવનગર શહેર જિલ્લામાં દારૂ-ગાંજા અને ડ્રગ સાથે નશાકારક કફ સીરપ ઉપર પણ પોલીસ તવાઇ બોલાવી રહી છે. ડાક્ટરની મંજૂરી વગર થતા કફ સિરપના વેચાણને પગલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ભાવનગર એસઓજીની ટીમે કફ સિરપની ૧૯૨૦ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત કફ સીરપને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કફ સીરપ માટે ડોક્ટરનું પ્રિસક્રિપ્શન ખૂબ જરૂરી હોય છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પ્રતિબંધિત નશાકારકના થતા વેચાણને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. ભાવનગર શહેરમાં કોડેઇન ફોસ્ફેટ ઘટક ધરાવતી કફ સીરપના વેપલા ઉપર પોલીસની બાઝ નજર છે ત્યારે હાલમાં એસઓજી પોલીસે કફ સીરપનો જથ્થો પકડી પાડ્યો છે.
ભાવનગરની પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે ભાવનગર શહેરમાં આવેલી ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી હતી. એસઓજી પોલીસે ચિત્રા જીઆઇડીસીના પ્લોટ નંબર ૩૩૯/૧ શોપ નંબર પર તપાસ કરતા ૧૯૨૦ જેટલી કોડેઇન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપનો જથ્થો ઝડપી લીધો હતો.
શહેરની ચિત્રા જીઆઇડીસીમાંથી ઝડપેલી કફ સીરપ ૩,૦૪,૧૨૮ કિંમતની છે ત્યારે તેની સાથે ભાવનગર શહેરના દેવરાજનગર વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય ભાવેશભાઈ અમુલભાઇ દુધેલાને પણ ઝડપી લીધો છે.એસઓજી પોલીસે આ મામલે ધોરણસર ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








































