કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ખાંભલા ગામ નજીક દોઢ મહિના પહેલા લાપતા થયેલા પ્રેમી યુગલની હત્યા પાછળ બીજું કોઈ નહીં પણ યુવતીના સગા માતા-પિતા અને ભાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે.
ગત ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ કોટડા (જ.) ગામ પાસેથી ૨૧ વર્ષીય નવીન રબારી અને ૧૯ વર્ષીય નાથી રબારી ગુમ થયા હતા. આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મામલો સામાન્ય ગુમશુદગીનો લાગતો હતો, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં શંકાની સોય યુવતીના પરિવાર તરફ ગઈ હતી.
પોલીસે તપાસ દરમિયાન નાથીના પિતા વંકાભાઈ પન્નાભાઈ રબારી અને તેના ભાણેજ પબા ગાભાભાઈ રબારીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. કડક પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ જ બંનેની હત્યા કરી છે. કબૂલાત મુજબ, ૩ ફેબ્રુઆરીની રાત્રે જ્યારે નાથી ઘરે પરત ન ફરી ત્યારે તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે મળી આવી હતી. પરિવારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નાથી નવીન સાથે રહેવાની જીદ પર અડગ રહી હતી. આથી ગુસ્સામાં આવીને પિતા, ભાણેજ, માતા અને યુવતીના ભાઈએ ભેગા મળીને બંનેને બાઇક પર બેસાડી ખાંભલા રોડ પર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે ચારેય આરોપીઓએ બંને મૃતદેહોને નજીકના એક નિર્જન કૂવામાં ફેંકી દીધા હતા. દોઢ મહિના સુધી આ રહસ્ય દબાયેલું રહ્યું હતું, પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું અને આખરે પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું. આ હિંચકારા કૃત્યમાં યુવતીની માતા અને કાયદાના સંઘર્ષમાં આવેલ તેનો નાનો ભાઈ પણ સામેલ હતો.
સત્ય બહાર આવતા જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ , એફ.એસ.એલ. ટીમ અને મેડિકલ સ્ટાફ ખાંભલા ગામે પહોંચ્યા હતા. શુક્રવારે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં હાઈડ્રોલિક ક્રેનની મદદથી કોહવાયેલી હાલતમાં બંને લાશોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થળ પર જ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પુત્રીના પ્રેમથી નારાજ થઈને પરિવારે જ તેની નિર્મમ હત્યા કરી હોવાની વાત વાયુવેગે પ્રસરતા નખત્રાણા સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. લાશ કાઢવાની કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે હાલ માતા, પિતા, ભાણેજ અને ભાઈ સહિત ચાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































