આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં તેમણે હાજરી આપી હતી.
સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે વાત કરી અને સંગઠન મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે “મેરા બુથ મજબૂત બુથ” નું સૂત્ર આપ્યું અને કહ્યું કે દરેક કાર્યકર્તાએ ગામડાં અને શહેરના દરેક વિસ્તારમાં જઈ લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવી જોઈએ. ભાજપ સરકારે સામાન્ય માણસ અને છેવાડાના લોકો સુધી સુવિધાઓ પહોંચાડી છે, તેને લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડવી એ કાર્યકર્તાઓની મુખ્ય જવાબદારી છે.
પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે સંસદ સત્ર ચાલી રહ્યું હોય ત્યારે કોંગ્રેસના સાંસદો સંસદમાં ગંભીર ચર્ચા કરવાને બદલે બહાર બેસી ચા-બિસકીટ ખાતા જોવા મળે છે. તેમને લોકોના પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા કરવાનો સમય નથી. કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ સક્રિય બને છે.
તેમણે કહ્યું કે છેલ્લા ૧૧ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના દરેક વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. નલ સે જલ, જનધન યોજના, ઉજ્જ્વલા ગેસ યોજના જેવી યોજનાઓથી ગરીબ અને છેવાડાના લોકોને ફાયદો થયો છે.
આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં આ વખતે ૧૦ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરશે. કોંગ્રેસ પાસે એટલા ઉમેદવારો કે કાર્યકર્તાઓ પણ નથી. જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના નેતાઓની તુલના વરસાદી દેડકા સાથે કરી અને કહ્યું કે જેમ વરસાદ પડે ત્યારે દેડકા બહાર આવે છે તેમ કોંગ્રેસના નેતાઓ પણ ચૂંટણી સમયે જ બહાર આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ગુજરાતને ખૂબ ઓછું બજેટ મળતું હતું. પણ મોદી સરકારે આ વર્ગો માટે આ વર્ષે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ચારેય ધારાસભ્યો, સાંસદ ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રશાંત કોરાટ સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.








































