કોર્ટના લાંબા અને ખર્ચાળ ચક્કરમાંથી સામાન્ય નાગરિકોને મુકિત અપાવવા માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ૧૪ માર્ચના રોજ વર્ષ ૨૦૨૬ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ એ. વાય. કોગજેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં એક જ દિવસમાં લાખો કેસોનો સુખદ અંત આવ્યો છે.
આ લોક અદાલતમાં મોટર અકસ્માત, ચેક રિટર્ન , કૌટુંબિક ઝઘડા અને દીવાની દાવાઓ જેવા વિવિધ કેસો હાથ પર લેવાયા હતા. જેમાં ૬.૬૭ લાખ પેન્ડીંગ કેસોમાંથી પક્ષકારોની સંમતિથી ૫,૭૭,૫૭૯ કેસો ઉકેલાયા હતા, જ્યારે કોર્ટમાં પહોંચતા પહેલા જ (પ્રિ-લિટિગેશન સ્ટેજ પર) ૮,૨૧,૨૦૮ કેસોમાં સમાધાન સધાયું હતું. આમ, પ્રિ અને પોસ્ટ લિટિગેશન મળીને રાજ્યભરમાં રેકોર્ડબ્રેક કુલ ૧૩,૯૮,૭૮૭ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ તમામ કેસોમાં કુલ મળીને ૩૨૦૯.૮૦ કરોડના માતબર વળતરના હુકમો પણ કરવામાં આવ્યા છે.
લોક અદાલતનું સૌથી જમા પાસું એ રહ્યું કે સામાજિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા પતિ-પત્નીના ઝઘડા અને દામ્પત્ય જીવનના વિવાદોમાં પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પરિણામે, છૂટાછેડાના આરે ઉભેલા ૩૫૮૧ પરિવારોમાં સમાધાન થતા તેઓ ફરી એક થયા છે.
વાહનચાલકો માટે પણ આ લોક અદાલત રાહતરૂપ બની હતી. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગેના ૬,૪૮,૩૭૫ ઈ-ચલણ કેસોનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી સરકારને ૫૦.૪૮ કરોડની દંડની રકમની વસૂલાત થઈ છે.
અસરકારક મધ્યસ્થી વ્યવસ્થાને કારણે ૧૦ વર્ષથી વધુ સમયથી કોર્ટમાં ધૂળ ખાતા ૭૬૪ જેટલા અત્યંત જટિલ કેસોનો પણ ઉકેલ લાવવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ દર્શાવે છે કે વિવાદોના ઝડપી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે ગુજરાતમાં લોક અદાલત હવે સૌથી સશક્ત માધ્યમ બની રહી છે.





































