ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે ચાર રાજ્યોના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અને ઠાકુર વિશ્વદીપ સિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ફિરોઝાબાદમાં ભાજપે વર્તમાન સાંસદ ચંદ્રસેન સિંહ જાદૌનની જગ્યાએ ઠાકુર વિશ્વદીપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે દેવરિયાના સાંસદ રમાપતિ રામ ત્રિપાઠીની ટિકિટ રદ કરી છે. હવે શશાંક મણિ ત્રિપાઠી અહીંથી ચૂંટણી લડશે. શશાંક પૂર્વ સાંસદ જનરલ પ્રકાશમણિ ત્રિપાઠીના પુત્ર છે. આ ઉપરાંત ભાજપે કોલકાતાની પ્રખ્યાત ડાયમંડ હાર્બર બેઠક માટે અભિજીત દાસ (બોબી)ને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે તૃણમૂલ નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશની પત્ની અનિતા સોમપ્રકાશને હોશિયારપુરથી ટિકિટ મળી છે.
આ ઉપરાંત પાર્ટીએ મહારાષ્ટિના સતારાથી છત્રપતિ ઉદયનરાજે ભોસલેને ટિકિટ આપી છે. સતારા બેઠક મહારાષ્ટિની ૯ બેઠકોમાંથી એક છે જેના પર મહાગઠબંધન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. અહીં ભાજપ અને એનસીપી વચ્ચે જંગ છે. અહીંથી ૨૦૧૯ની પેટાચૂંટણીમાં ભાજપે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ એવા વર્તમાન રાજ્યસભા સાંસદ ઉદયનરાજે ભોસલેને જ ટિકિટ આપી હતી, પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.