સશસ્ત્ર બલૂચ આતંકવાદીઓએ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક મહત્વપૂર્ણ નેવલ બેઝ પર હુમલો કર્યો અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જા કે, સુરક્ષા દળોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને છ આતંકવાદીઓને ઠાર કર્યા.
આ હુમલો સોમવારે રાત્રે તુર્બત જિલ્લામાં થયો હતો. મકરાનના કમિશનર સઈદ અહમદ ઉમરાનીએ મીડિયાને જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ દેશના સૌથી મોટા નૌકાદળના હવાઈ મથકોમાંથી એક સિદ્દીકી નેવલ એર સ્ટેશન પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. “સશસ્ત્ર માણસોએ એરપોર્ટ સરહદની ત્રણ બાજુથી હુમલો કર્યો, પરંતુ સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી અને પરિસરમાં ઘૂસણખોરીના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો,” તેમણે કહ્યું.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ આખી રાત ગોળીબાર અને વિસ્ફોટના અવાજા સાંભળ્યા. એક સુરક્ષા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઓપરેશનમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને તેઓ એર સ્ટેશન અથવા એરક્રાફ્ટને કોઈ નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયા હતા. અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ નેવલ એર સ્ટેશનને કોઈ નુકસાન થયું નથી.
પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે આ હુમલા પાછળ તેની મજીદ બ્રિગેડનો હાથ હતો. બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો અને સંસ્થાઓ પર આ ત્રીજા મોટો હુમલો હતો, જેની જવાબદારી  લીધી છે. અગાઉના બંને હુમલાઓને પણ સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં માચ શહેરમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા પરંતુ સુરક્ષા દળોએ માચ જેલમાં ઘૂસવાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો. ગયા અઠવાડિયે સુરક્ષા દળોએ આ જ પ્રાંતમાં સ્થિત ગ્વાદર પોર્ટ ઓથોરિટી સંકુલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.બીએલએએ ૨૪ માર્ચે થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.
ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસા ચાલી રહી છે. ભૂતકાળમાં, બલૂચ વિદ્રોહી જૂથોએ યુએસ ઇં ૬૦ બિલિયન ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ્‌સને નિશાન બનાવીને અનેક હુમલાઓ કર્યા છે.
બીએલએ બલૂચિસ્તાનમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. તેમણે ચીન અને પાકિસ્તાન પર સંસાધનથી સમૃદ્ધ પ્રાંતનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો. સત્તાવાળાઓએ આ આરોપને ફગાવી દીધો છે.બીએલએની મજીદ બ્રિગેડની રચના ૨૦૧૧માં કરવામાં આવી હતી, જે સંગઠનનો ગેરિલા સેલ છે.