બનાસકાંઠામાં અમીરગઢના ઇકબાલગઢ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાલનપુર-આબુ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા એક આઇસર ટ્રકે ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઇનોવા કારને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અન્ય ૩ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતકોના મૃતદેહને પોસ્મોર્ટમ માટે ખસેડયા છે. પ્રાથમિક માહિતી અનુસાર રોગ સાઈડ આવતો આઇસર ટ્રક ગાડી ઉપર ચડી જતો અકસ્માત સર્જાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાલનપુર-આબુ હાઇવે પર થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે જાનારા લોકોના કાળજા કંપી ગયા હતા. આબુરોડ તરફથી આવી રહેલા એક આઇસર ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બનેલો ટ્રક ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો અને સામેના ટ્રેક પરથી પસાર થઈ રહેલી ઇનોવા ગાડી પર કાળ બનીને ત્રાટક્્યો હતો. ટ્રક સીધો કાર પર ચડી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે કાળે તેમને રસ્તામાં જ આંબી લીધા હતા. અકસ્માતમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. અન્ય ૩ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની તીવ્રતા એટલી જબરદસ્ત હતી કે ઇનોવા કારના પતરાં ચીરીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.”
નોંધનીય છે કે ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સ્થાનિક લોકોની મદદથી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો. તમામ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.