આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે બગસરામાં પણ ત્રણ મહિલાઓ હાલ વિવિધ હોદ્દાઓ પણ પોતાની ફરજ કાર્યદક્ષ રીતે બજાવી રહી છે. બગસરાના ડેપો મેનેજર નિમિષાબેન ગઢવી, બગસરા પીઆઈ આઈ.જે.ગીડા અને બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા હાલ પોતાની ફરજ બજાવી રહ્યાં છે તો બગસરાના પ્રથમ નાગરિક તરીકે જયોત્સનાબેન રીબડીયા પણ શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. બગસરાના ડેપો મનેજર તરીકે છેલ્લાં ત્રણ વર્ષ કરતા વધારે સમયથી કાર્યરત નિમિષાબેન ગઢવીએ મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલ છે. મુળ સુરેન્દ્રનગરના વતની નિમિષાબેન ગઢવી જણાવે છે કે,મિકેનિકલ એન્જીનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એસ.ટી.વિભાગની ભરતી બહાર પડ્યા બાદ એસ.ટી.વિભાગમાં ફોર્મ ભરતા પસંદગી થઈ હતી. પ્રથમ પોસ્ટીંગ રાજકોટ ડિવિઝનમાં મળ્યુ હતુ.
એેસ.ટી.માં ભરતી થયા બાદ સેવા સાથે નોકરી કરી શકાય તેવો અનુભવ થયો. નિમિષાબેન ગઢવી વધુમાં જણાવે છે કે, ૧પ વર્ષથી હાલ એસ.ટી.માં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી છે. જેમાં ત્રણ ડેપોમાં ડેપો મેનેજર તરીકે સેવા બજાવ્યા બાદ હાલ બગસરા એસ.ટી.ડેપો મેનેજર તરીફ ફરજ બજાવું છુ. એસ.ટી.બસના સંચાલનમાં અનેક પડકારો આવ્યા પરંતુ કર્મચારીઓના સાથ સહકારથી તમામ પડકારોને પુરા કર્યા છે. મારી સફળતામાં મારા પરિવાર અને મારા કર્મચારીઓનો ખુબજ સાથ સહકાર મળ્યો છે. જયારે બગસરાના મહિલા પીઆઈ તરીકે આઈ.જે.ગીડા ફરજ બજાવી રહ્યાં છે. મહિલા તરીકે પણ શહેરનો કાયદો વ્યવસ્થા સંભાળી રહેલા આઈ.જે.ગીડાની બગસરા પોલીસ સ્ટેશનમાં બીજી વખત નિમણૂંક કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક વલણ દાખવનારા મહિલા પીઆઈ પારિવારિક સમસ્યામાં મધ્યસ્થીની પણ ભુમીકા ભજવે છે. પારિવારિક સમસ્યા પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે તે માટે મહિલા પીઆઈ હંમેશા કાર્યરત રહે છે તો બગસરાને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે યુવા મહિલા અધિકારી મળ્યા છે. મિતલબેન ભાલાળા સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના વતની છે.
બી.કોમ સુધી અભ્યાસ કર્યા બાદ જીપીએસસી પાસ કરીને હાલ ધારી અને બગસરાના ચીફ ઓફિસર તરીકે સેવા આપી રહ્યાં છે. શહેરના વિકાસ માટે તેઓ હંમેશા કટિબધ્ધ રહે છે. જયારે બગસરા નગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી લડેલા શહેરના પ્રથમ નાગરિકની જેના પર જવાબદારી છે તેવા જયોત્સનાબેન રીબડીયા બગસરા શહેરના વિવિધ પ્રશ્ને હંમેશા જાગૃત રહે છે. રાજકારણમાં પ્રથમવાર પગલા પાડનાર જયોત્સનાબેન રીબડીયા પોતાના શાસનમાં કરોડોની ગ્રાન્ટ લાવી શહેરમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. આમ, બગસરામાં મહત્વના હોદ્દા પર મહિલાઓ કાર્યરત હોવાનું સામે આવ્યુ છે.









































