સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લિ. બગસરા શાખાના ચેક રિટર્ન કેસમાં બગસરા કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આરોપીને છ માસની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, કડાયા ગામ (તા. બગસરા, જિ. અમરેલી) ખાતે રહેતા અશોકભાઈ રમેશભાઈ દુધાતે મંડળીમાંથી રૂ. ૨,૦૦,૦૦૦ ની લોન લીધી હતી. આ લોન પેટે ચડત રકમ રૂ. ૩,૦૬,૨૪૩ ભરપાઈ કરવા માટે તેમણે તા. ૦૪/૧૨/૨૦૨૪ ના રોજનો ચેક આપ્યો હતો. ફરિયાદી મંડળી દ્વારા આ ચેક બેંકમાં જમા કરાવતા તે ‘અપૂરતા ફંડ’ના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ મંડળીના વકીલ મારફત આરોપીને નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં આરોપીએ લેણી રકમ ન ચૂકવતા મંડળીના મંત્રી જયદીપભાઈ બાલુભાઈ હિરપરાએ બગસરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં, મંડળી તરફના વકીલ પી.ડી. દાંતી (ગઢવી) અને વિશાલ જે. માળવીની દલીલોને બગસરા કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. અંતે કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી છ માસની સજા તેમજ ચેકની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે.










































