બગસરામાં પાલિકાની બેદરકારીને કારણે શહેરના હાર્દસમા વિસ્તારમાં છેલ્લાં એક માસ કરતા વધારે સમયથી ભુવો પડેલો હોવાથી અકસ્માતનો ભય ફેલાયો છે. શહેરની શાંતિ નિકેતન સોસાયટીમાં ભુવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ એક માસ જેટલા સમયથી આ ભુવો પડેલો છે. પરંતુ પાલિકા દ્વારા આ ભુવો બૂરવાનું નામ લેવામા આવતુ નથી જેથી પાલિકાની નીતિ સામે વિસ્તારવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં બાળકોના ડોકટર પણ રહેતા હોવાથી દર્દીઓ આ માર્ગ પર અવર-જવર કરે છે. આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શહેરની અનેક ભૂગર્ભ ગટરના ઢાંકણા બેસી ગયા છે પરંતુ તેને રિપેર કરવા માટે કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. પાલિકા સદસ્યોને જાણે વહીવટ કરવામાં રસ હોય તેવુ લાગી રહ્યુ છે. વિસ્તારવાસીઓના પ્રશ્ન હલ કરવામાં પાલિકા ઉણી ઉતરી હોવાથી રોષ ફેલાયો છે. અત્રે નોંધનીય છે કે, શહેરના વિવિધ સ્થળોએ છાશવારે આવા ભુવા પડે છે અને આ બાબતે અનેકવાર વિસ્તારવાસીઓ રજૂઆત કરે છે પરંતુ પાલિકા જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જાતુ હોય તેમ લાગી રહ્યું છે. રાત્રીના સમયે આ માર્ગ પરથી પસાર થવુ એટલે મોતને આમંત્રણ આપવા સમાન છે. જા કે રાહદારીઓની સાથે પશુઓ પણ અકસ્માતનો ભોગ બને તેવી સંભાવના સેવાઈ રહી છે. આગામી ચૂંટણીમાં આગેવાનો મત માંગવા માટે આવશે ત્યારે વિસ્તારવાસીઓ પણ મોઢામોઢ આગેવાનોને રોકડુ પરખાવવાના મૂડમાં જણાઈ રહ્યાં છે.