બગસરા તાલુકાનાં ખીજડીયા ગામે છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ચૂંટણી પૂર્વે આ કામ પૂર્ણ કરવા લોકોની માંગ ઉઠી છે. બગસરા તાલુકાના શીલાણા નજીક આવેલા ખીજડીયા ગામે છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી રસ્તાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જેના લીધે ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગામના ઉપસરપંચ ઉમેદભાઈ વાળાનાં જણાવ્યા અનુસાર કામના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી કામ અટકાવી દીધેલ હોવાથી પૂલ સહિતનાં કામ અધૂરા રહેલ છે. જેથી આ રસ્તે અવરજવર કરતા ગ્રામજનો ખૂબ જ હેરાનગતિ ભોગવી રહ્યા છે. થોડા સમયમાં ચોમાસુ શરૂ થશે તો વધુ છ મહિના કામ અટકી પડશે તેથી ચૂંટણી પૂર્વે આ કામ પૂર્ણ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.