લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે તા.૧૯ એપ્રિલના રોજ સવારે સાત વાગ્યાથી લઇ સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે.મતદાનને લઇને ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. મતદાનમાં કોઇ ગડબડી ન થાય તે માટે સુરક્ષા કર્મચારીઓની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. આ તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ લોકસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર આઠ કેન્દ્રીય મંત્રીઓ, બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલ સહિત ૧,૬૨૫ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે. દરમિયાન, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે એટલે કે ૧૮મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ તબક્કામાં ૧૩ મેના રોજ ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કામાં યુપીની ૧૩ અને જમ્મુ-કાશ્મીરની એક સીટ પર પણ મતદાન થશે.
પ્રથમ તબક્કામાં તમિલનાડુના તમામ ૩૯, રાજસ્થાનના ૧૨, ઉત્તર પ્રદેશના ૮, ઉત્તરાખંડના તમામ પાંચ, અરુણાચલ પ્રદેશના બે, બિહારના ચાર, છત્તીસગઢના એક, આસામના ચાર, મધ્યપ્રદેશના ૬, મહારાષ્ટ્રના પાંચ, મણિપુરમાં મેઘાલયમાં બે-બે બેઠકો, મિઝોરમ, ત્રિપુરામાં એક-એક અને પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર મતદાન થશે. કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં પણ એક-એક સીટ પર મતદાન થશે.
પ્રથમ તબકકામાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.,કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ચોથી વખત અરુણાચલ પશ્ચિમથી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.,ડિબ્રુગઢથી શિપિંગ મિનિસ્ટર સર્બાનંદ સોનોવાલ, મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, ઉધમપુરથી જીતેન્દ્ર સિંહ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ અને નીલગિરીથી એલ મુરુગન મેદાનમાં છે.,ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત હરિદ્વારથી અને ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ દેવ પશ્ચિમ ત્રિપુરાથી ચૂંટણી લડી રહ્યા છે.,તમિલનાડુ રાજ્ય ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી મેદાનમાં છે.,પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ શિવગંગાઈથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.,ચૂંટણી પહેલા રાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સુંદરરાજન ચેન્નાઈ દક્ષિણથી ભાજપના ઉમેદવાર છે.
પૂર્વોત્તરના બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે અરુણાચલ પ્રદેશ (૫૦ બેઠકો) અને સિક્કિમ (૩૨ બેઠકો)માં પણ શુક્રવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરિણામ ૨ જૂને આવશે.