પાકિસ્તાનમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે ૬૩ લોકોના મોત થયા છે અને ૭૮ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મૃતકોમાં ૩૩ બાળકો, ૧૫ પુરૂષો અને ૧૫ મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૬૩ લોકોના મોત થયા છે અને ૭૮ લોકો ઘાયલ થયા છે.પીડીએમએએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, મૃતકોમાં ૩૩ બાળકો, ૧૫ પુરૂષો અને ૧૫ મહિલાઓનો સમાવેશ થાય છે અને ઘાયલોમાં ૧૭ મહિલાઓ, ૩૭ પુરૂષો અને ૨૪ બાળકોનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, ૪૭૭ મકાનો ધરાશાયી થયા છે અને ૨,૭૨૫ મકાનોને નુકસાન થયું છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના નિર્દેશ પર પીડીએમએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટ માટે ૧૧૦ મિલિયન રૂપિયા જારી કર્યા છે. આ ઉપરાંત નવા વિલીનીકરણ પછી રચાયેલા જિલ્લાઓને રાહત કામગીરી માટે રૂ. ૯૦ મિલિયન પણ જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય સહાયની સાથે, પીડીએમએ પેશાવર, નૌશેરા, ચિત્રાલ, સ્વાત, બજૌર, લોઅર કોહિસ્તાન, મોહમંદ, અપર ડીર, ટાંક, શાંગલા અને તોરઘર જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોને રાહત સામગ્રી પૂરી પાડી હતી. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી રાહત સામગ્રીમાં તંબુ, સાદડીઓ, રસોડાના સેટ, ધાબળા, પથારી, તાડપત્રી, સોલાર લેમ્પ અને અન્ય રોજિંદા જીવન સામગ્રીનો સમાવેશ થાય છે.
અચાનક પૂર પછી, પેશાવર, ચારસદ્દા, નૌશેરા ખૈબર, લોઅર ચિત્રાલ, અપર ચિત્રાલ, અપર ડીર, લોઅર ડીર, સ્વાત, બજૌર, શાંગલા, માનસેહરા, મોહમંદ, મલકાંદ, કરાકા, ટાંક, મર્દાન, બાનેર, હંગુ, બન્નુ, ઉત્તર અને દક્ષિણ વજીરિસ્તાન, કોહાટ, ડેરા ઈસ્માઈલ ખાન અને ઓરકઝઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે. આ પીડીએમએના પ્રવક્તાએ કહ્યું કે, વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કામગીરી અને રાહત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પીડીએમએ પહેલાથી જ તમામ જિલ્લાના અધિકારીઓને વરસાદના ત્રીજા રાઉન્ડ પહેલા સાવચેતીનાં પગલાં લેવા જણાવ્યું છે.
બલૂચિસ્તાનમાં સામાન્ય કરતાં ૨૫૬ ટકા વધુ વરસાદ થયો છે. પાકિસ્તાનમાં આ મહિને સામાન્ય કરતાં ૬૧ ટકા વધુ વરસાદ થયો છે અને આ દર્શાવે છે કે આપણા દેશમાં ક્લાઈમેટ ચેન્જ થઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું કે ૨૦૨૨માં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ હતી અને એક સમયે પાકિસ્તાનનો એક તૃતીયાંશ ભાગ પૂરથી ઢંકાઈ ગયો હતો. જેમાં ૧,૭૩૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પૂરને કારણે ૩૦ બિલિયન યુએસ ડાલરનું નુકસાન પણ થયું હતું, જેમાંથી પાકિસ્તાન હજુ પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.