અમિત શાહના એડિટેડ વીડિયોની તપાસ ઉપડી છે. ગઈ કાલે ભાજપની ફરીયાદ બાદ એફઆઈઆર દાખલ કર્યાં બાદ આજે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ પાઠવીને દિલ્હી બોલાવ્યાં છે. દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને ૧ મેના રોજ તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સની સાથે પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બનાવટી વીડિયો શેર કરનારા કેટલાક કોંગ્રેસી નેતાઓ સહિત વધુ પાંચ લોકોને પણ દિલ્હી પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવશે. ગૃહ મંત્રાલય અને ભાજપની ફરિયાદો બાદ દિલ્હી પોલીસે આ અંગે કેસ નોંધ્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રીને નોટિસ મોકલીને પોતાનો મોબાઈલ ફોન પોતાની સાથે લાવવા કહ્યું છે. દિલ્હી પોલીસની ટીમ હાલ હૈદરાબાદમાં હાજર છે. આ કેસ સંદર્ભે કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત અન્ય પાંચ વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવશે. આ એ લોકો છે જેમણે ગૃહમંત્રીનો એડિટેડ વીડિયો શેર કર્યો છે. આ લોકોની પૂછપરછ કરીને પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે આ એડિટેડ વીડિયો કોણે બનાવ્યો અને કેવી રીતે આ લોકો સુધી પહોંચ્યો. આ પાંચેય તેલંગણાના છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના છેડછાડ વીડિયો કેસમાં પોલીસે ભાજપની ફરિયાદને આધારે પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી હતી. દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને બે ફરિયાદો મળી હતી. એક ફરિયાદ ભાજપે કરી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલયે કરી હતી. ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાયબર વિંગ આઈએફએસઓ યુનિટે એફઆઈઆર નોંધી છે.
અમિત શાહનો છેડછાડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી/એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી અને આ વીડિયો નકલી છે. તેમણે મૂળે કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલા ગેરબંધારણીય અનામતને હટાવી દેશે. “અમને દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો મળી રહી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આ બધી ફરિયાદો પર એફઆઈઆર નોંધવામાં આવે. પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે “ગેરબંધારણીય” અનામત હટાવવાની ચર્ચા કરી હતી. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઇને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. વળી, આ એડિટેડ વીડિયોને કયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે તે અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગવામાં આવી છે.