તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) વચ્ચે બેઠકોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકેએ કોંગ્રેસને ૨૮ વિધાનસભા બેઠકો અને એક રાજ્યસભા બેઠક ઓફર કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને ડીએમકેના પ્રમુખ અને મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચેની ચર્ચા બાદ, બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીની ગોઠવણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જાકે, હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
૨૦૨૧ની ચૂંટણીમાં, કોંગ્રેસે તમિલનાડુની ૨૩૪ વિધાનસભા બેઠકોમાંથી ૨૫ બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી ૧૮ બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે, કોંગ્રેસ ઓછામાં ઓછી ૩૦-૩૯ બેઠકો અને બે રાજ્યસભા બેઠકોની માંગ કરી રહી હતી. જાકે, બંને પક્ષોના નેતાઓ વચ્ચેની ચર્ચા બાદ, અંતિમ સર્વસંમતિ બની છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ડીએમકે સાથે જાડાણ ચાલુ રાખવા માંગે છે.
તમિલનાડુમાં ૨૩૪ વિધાનસભા બેઠકો છે. આમાંથી, કોંગ્રેસ ૨૮ બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની ૨૦૬ બેઠકો ડીએમકે અને કમલ હાસનની પાર્ટી દ્વારા લડવામાં આવશે. જાકે, અભિનેતા કમલ હાસનના નેતૃત્વ હેઠળના મક્કલ નીધી મૈયમને કેટલી બેઠકો મળશે તે હજુ નક્કી થયું નથી.
કોંગ્રેસના એક સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ના પ્રમુખ સ્ટાલિન સાથે લગભગ એક કલાક લાંબી મુલાકાતમાં, કોંગ્રેસના નેતાઓએ બંને પક્ષોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને પક્ષો ગઠબંધન ચાલુ રાખવા માંગે છે, પરંતુ કોંગ્રેસને ઓફર કરવામાં આવનારી બેઠકોની સંખ્યા અંગે મતભેદો ચાલુ રહ્યા. શરૂઆતમાં, ડીએમકેએ કોંગ્રેસને રાજ્યસભાની એક બેઠક ઓફર કરી હતી, પરંતુ વાટાઘાટો વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કેટલી બેઠકો આપવામાં આવશે તેના પર કેન્દ્રિત હતી. કોંગ્રેસે ૩૯ વિધાનસભા બેઠકોની માંગ કરી હતી.