બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય સંતોના પાવન સાંનિધ્યમાં યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય તેવી અપેક્ષા છે. મહોત્સવનો પ્રારંભ ૧૨ નવેમ્બર, ગુરુવારના રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે પોથીયાત્રાથી થશે. ત્યારબાદ સાંજે ૫ વાગ્યે મંગળ પ્રસ્થાન અને ૫ઃ૩૦ કલાકે કથાનો પ્રારંભ થશે. ૧૩ નવેમ્બરના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ૧૫ નવેમ્બરના રોજ સવારે ૮ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે, જ્યારે રાત્રે ૮ કલાકે રાસોત્સવ યોજાશે. આ ઉપરાંત ૧૨ થી ૧૪ નવેમ્બર દરમિયાન દરરોજ રાત્રે ૯ કલાકે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૬ નવેમ્બર, સોમવારના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. આ મહોત્સવનું સ્થળ ડેરી પીપરીયા ગામનું સ્વામિનારાયણ મંદિર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી છે. મહોત્સવમાં પધારી ભગવાનનાં દિવ્ય દર્શન, કથામૃત અને ભક્તિ-સત્સંગનો લાભ લેવા આયોજકો દ્વારા સૌ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત અમરેલીની આરોગ્ય સમિતિના ચેરમેનના પ્રતિનિધિ પ્રદીપ ભાખર દ્વારા આ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગની શોભા વધારવા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.





































