અમરેલી ચિત્તલ રોડ વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા

અમરેલી સંસદીય મત વિસ્‍તારમાં કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરે ધારી તાલુકામાં પ્રવાસ યોજયો હતો. ત્‍યારે તેમણે ધારી ભૂમિમાં બિરાજતા મા ખોડિયાર અને વિશ્વ વંદનીય પૂ.યોગીજી મહારાજની જન્‍મભૂમિને વંદન કરી જણાવ્યું હતું કે, ધારી વિસ્‍તારની જમીન ફળદ્રુપ છે અને ખેડૂતો ખુબ મહેનતુ છે. પરંતુ કપાસ અને સીંગ સહિતના ઉત્‍પાદનોમાં ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી પરિણામે આ વિસ્‍તારમાંથી યુવા ખેડૂતો પોતાનું વતન છોડી અને મહાનગરોમાં સામાન્‍ય નોકરી અને મજૂરી કરવા માટે મજબુર બન્‍યા છે. ત્‍યારે ખેડૂતોના ઉત્પાદન પર પૂરતા ભાવ મળે અને એમ.એસ.પી. લાગુ થાય તેવી મારી માંગણી છે. આ ઉપરાંત ખાતર, બિયારણના ભાવ સસ્‍તા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
જયારે ચલાલા-ધારી વિસ્‍તારના ખેડૂતો જેઓ કેરીના બગીચા ધરાવે છે તેમને બરોબર ઉત્‍પાદનના સમયે કમૌસમી વરસાદ અને ભારે પવનના કારણે અવાર-નવાર ખેડૂતોને નુકસાન થાય છે. ત્‍યારે તેઓને સ્‍પે. વીમા કવર આપવામાં આવે જેથી તેમને નુકસાનના પ્રમાણમાં વળતર મળી શકે. આ ઉપરાંત ધારી એટલે ગીરનું પ્રવેશદ્વાર કહેવાય છે. ત્‍યારે આ વિસ્‍તારમાં રેલ‍વેની સુવિધા વધારે આપવામાં આવે અને ધારી-અમરેલી મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે તો આ વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ વધુ વેગવંતો બને જેથી નવી હોટલ, ખાનગી વાહનો અને ગાઈડ બનતા લોકોને વધુમાં વધુ રોજગારી મળી શકે અને વધુમાં વધુ ધંધા રોજગારનો વિકાસ થઈ શકે તે માટેના પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્‍લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે વર્તમાન સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્‍યુ હતું કે કોંગ્રેસના સમયમાં ૩૭૦ નો રાંધણગેસનો બાટલો મળતો હતો તે ભાજપ સરકારે ૧૧૦૦ નો કર્યો, ખાતર-દવા-બિયારણ પણ મોંઘા કર્યા, ખેડૂતોને પોતાની ઉપજના પુરતા ભાવ ભળતા નથી લોકો ખેતી છોડી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે અમરેલીના ચિત્તલ રોડના યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. યુવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર શિક્ષિત અને બાહોશ હોવાથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈએ છીએ.‍