જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, આયુષ્માન આરોગ્ય મંદિર પર ડાયાબિટીસ અને હાયપર ટેન્શન (બીપી)નું સ્ક્રિનિંગ-નિદાન કરવામાં આવ્યું હતું. આ ચકાસણી કાર્યક્રમ અંતર્ગત એક જ દિવસમાં જિલ્લાના ૧૭,૩૦૫ નાગરિકોના હાયપર ટેન્શન અને ડાયાબિટીસની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકીના ૨,૪૩૭ વ્યક્તિને હાયપરટેન્શન (બીપી) અને ૧,૬૪૮ વ્યક્તિઓને પ્રાથમિક રીતે ડાયાબિટીસ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત સ્તન કેન્સરના ૦૪ શંકાસ્પદ કેસ, મોઢાના કેન્સરના ૦૫ શંકાસ્પદ કેસ પણ મળી આવ્યા હતા. આ સાથે ચોમાસાની ઋતુના કારણે રોગચાળો વધવાની શક્યતાને ધ્યાને લેતા જનરલ ઓ.પી.ડી પણ કરવામાં આવી હતી. જેમાં વાહકજન્ય રોગો અને પાણીજન્ય રોગોથી થતી બીમારીઓ વિશે અને તેનાથી બચવા શું ધ્યાન રાખી શકાય તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના તમામ આરોગ્ય આયુષ્યમાન મંદિર પર યોજાયેલો ખાસ કેમ્પ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય આધિકારી આર.એમ. જોષીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.