ભારતના પ્રખ્યાત રાજકારણી અને પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધનના સમાચારથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તબિયત વધારે લથડતા તેમને ૧૧ મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ ૭૯ વર્ષની વયે મંગળવારે તેમનું અવસાન થયું છે. મંગળવારે બપોરે લગભગ ૧ વાગ્યે તેમણે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
સત્યપાલ મલિક ઓગસ્ટ ૨૦૧૮થી ઓક્ટોબર ૨૦૧૯ સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન જ ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જા નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. યોગાનુયોગ, આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે જ સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા.
તેઓ ઓક્ટોબર ૨૦૧૭થી ઓગસ્ટ ૨૦૧૮ સુધી બિહારના રાજ્યપાલ હતા. તેમને ૨૧ માર્ચ ૨૦૧૮થી ૨૮ મે ૨૦૧૮ સુધી ઓડિશાના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી સત્યપાલ મલિકને ગોવાના ૧૮મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર ૨૦૨૨ સુધી મેઘાલયના ૨૧મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.
સત્યપાલ મલિકનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૪૯ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવાડા ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સાયન્સ અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. વર્ષ ૧૯૬૮-૬૯માં, તેઓ મેરઠ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, જ્યાં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી.રાજનેતા તરીકે તેમનો પહેલો મોટો કાર્યકાળ ૧૯૭૪-૭૭ દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે હતો. તેમણે ૧૯૮૦થી ૧૯૮૬ અને ૧૯૮૬-૮૯ સુધી રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ ૧૯૮૯થી ૧૯૯૧ સુધી જનતા દળની ટિકિટ પર અલીગઢથી લોકસભાના સભ્ય રહ્યા.
૧૯૮૦માં સત્યપાલ મલિકને ચૌધરી ચરણ સિંહની આગેવાની હેઠળના લોકદળ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ ૧૯૮૪માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને ૧૯૮૬માં રાજ્યસભામાં મોકલ્યા હતા. બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેમણે ૧૯૮૭માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વી.પી. સિંહ સાથે જોડાયા હતા. ૧૯૮૯માં તેમણે જનતા દળના ઉમેદવાર તરીકે અલીગઢથી લોકસભાની ચૂંટણી જીતી અને ૧૯૯૦માં થોડા સમય માટે સંસદીય બાબતો અને પર્યટન રાજ્યમંત્રી તરીકે સેવા આપી.


































