ખેડૂત મિત્રો, જંતુનાશકોના વપરાશ દ્વારા ઉભી થતી આડ અસરો પૈકી કુદરતી પર્યાવરણને થતી માઠી અસર, જીવાતોમાં પ્રતિકારકતા, ખાદ્યપદાર્થોમાં ઝેરી અવશેષો, જળ, જમીન અને હવાનું પ્રદુષણ વિગેરે ગણી શકાય. જંતુનાશકોનાં વપરાશની તમામ નબળી બાબતોને ધ્યાનમાં લઈએ તો પણ, દેશમાં કૃષિ વિકાસ અને માનવ સ્વાસ્થયનાં રક્ષણ માટે, જંતુનાશકોનો ઉપયોગ એ સામાજીક વ્યવસ્થા જાળવવા માટે અનિવાર્ય દુષણ છે. કેમ કે હાલમાં આપણી પાસે જંતુનાશક દવાની ગેરહાજરીમાં ઝડપી અને અસરકારક જીવાત નિયંત્રણની અન્ય એક પણ પધ્ધતિ નથી કે જે રાતોરાત જંતુનાશક દવાનું સ્થાન લઈ શકે. પરિણામે જંતુનાશક દવાઓના વપરાશ પાક ઉત્પાદનમાં થતો ઘટાડો નિયંત્રીત કરવા માટે અનિવાર્ય છે. જેથી પાક ઉત્પાદનનાં આ અનિવાર્ય ઘટકનાં ઉપયોગમાં સવિશેષ કાળજી તેમજ સામાજીક જાગૃતિની તાતી જરૂરીયાત રહેલી છે.
૧) દરેક ઉપયોગ વખતે સાવધાની રાખો: હંમેશા જંતુનાશક ઉત્પાદનોને બાળક તેમજ પાલતુ પ્રાણીઓની પહોંચથી દૂર તાળુ મારીને રાખો. જંતુનાશક દવાની હેરફેર તેમજ સંભાળમાં સાવધાની રાખે, હંમેશા તેને ખાદ્યપદાર્થો તેમજ પ્રાણીઓથી દૂર રાખો. હંમેશા જંતુનાશક દવાનાં ટીનને ત્રણ વખત સાફ કરી, સ્થાનિક રીતે તેનો અસરકારક નિકાલ કરો. છંટકાવ સમયે ટોપી પહેરો અને દિવસે ગરમીના સમયે છંટકાવ કરવાનું ટાળો. પીવા માટે પાણીનો પુરતો જથ્થો સાથે રાખો જે, પાણીની કમીના સમયે ઉપયોગી થશે.
ર) ઉત્પાદનનું લેબલ વાંચો અને બરાબર સમજો: જંતુનાશક દવાના ટીન પરના લેબલ ઉપર ઉત્પાદન દર્શાવવામાં આવેલ જરૂરી અને અગત્યની માહિતી જેવીકે જંતુનાશક દવાની ખાસિયત અને તેના ઉપયોગ વખતે રહેલ જોખમો તેમજ આકસ્મિક સંજોગોમાં રાખવાની યોગ્ય કાળજી દર્શાવેલ હોય છે. હંમેશા લેબલ પરની વપરાશ અંગેની સુચનાઓને અમલ કરો. (પાક, ઉપયોગની માત્રા તેમજ પાણીનાં જથ્થાની એકમ વિસ્તાર દીઠ જરૂરીયાત). જો તમને લેબલની માહિતી ન સમજાય તો અન્યની મદદ લઈ તેને સમજો. જે લેબલ પર ચિત્રો દર્શાવેલા હોય છે જેનાથી જંતુનાશક દવાઓમાં રહેલા ઝેરની માત્રા વિશે આપેલ રંગીન ફોટોગ્રાફથી સમજી શકાય છે. જંતુનાશક દવાની સમય અવધિ (Expiry date) ચેક કરવી. ઓછી જોખમકારક દવાની પસંદગી કરો અને તેને ખરીદતી વખતે ધજફ ના વર્ગીકરણ મુજબ કલર સંકેત (ત્રિકોણાકાર) અને કલર રીંગ દર્શાવેલ છે તેને સમજો. દુર્ઘટના નિવારવા માટે લેબલ પર દર્શાવવામાં આવેલ સૂચનો વાંચી તેનો અમલ કરો. જંતુનાશક દવાનો વપરાશ કયા પાકમાં કઈ જીવાત માટે ભલામણ કરેલ છે તેની ખાતરી કરવી. સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાનાં અન્ય ઘટકો સાથે સુસંગતતા ચકાસવી. પાક વીણી કે કાપણીને ધ્યાનમાં રાખી છંટકાવ કરવો.
જંતુનાશક દવાનાં છંટકાવનો સમય: સવાર કે સાંજના સમયે જયારે પવનની ગતિ ધીમી હોય ત્યારે છંટકાવ કરવો. વધુ ગરમી હોય તો ૧૧ થી ૪ ના સમય દરમ્યાન છંટકાવ કરવાનું મુલત્વી રાખવુ. શકય હોય તો નિંદામણમાં ફૂલ આવતા પહેલા નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો. જીવાતનો ઉપદ્રવ ક્ષામ્યમાત્રા કરતા વધુ હોય ત્યારે જ છેલ્લા ઉપાય તરીકે જંતુનાશક દવાનો છંટકાવ કરવો. લીવર ઓપરેટેડ નેપસેક સ્પ્રેયરની મદદથી ભૂમિ છંટકાવ કરતી વખતે પ્રતિ હેકટરે પાકનાં કદને ધ્યાનમાં લઈ પ૦૦ થી ૧૦૦૦ લીટર સુધીનો પાણીનો વપરાશ થાય તેની કાળજી લેવી. ભૂકી રૂપ જંતુનાશક દવાનો છંટકાવ હંમેશા સવારના સમયે જ કરવો. આ માટે માનવશકિતથી ચાલતા હેન્ડ રોટરી ડસ્ટર કે બેલી માઉન્ટેડ રોટરી ડસ્ટરનો ઉપયોગ કરી શકાય.
૩) પોતાની સ્વચ્છતાની સારી આદત પાડો: રસાયણ સાથે કામ કરતી વખતે હંમેશા સ્વચ્છ પાણી મળી રહે તેવી ગોઠવણી કરો. આંખો કે ચામડી પર કોઈ પણ રસાયણ પડે કે સ્પર્શે કે તરત જ તેને ચોખ્ખા પાણીની છાલક વડે ધોઈ નાંખો. પાક સંરક્ષક રસાયણનાં છંટકાવ સમયે કે તેની સાથે કામ કરતી વખતે ખાવુ, પીવુ કે ધુ્રમપાન કરવું જોઈએ નહી. હંમેશા રસાયણ સાથે કામ કર્યા બાદ તમારા શરીર અને કપડાને ધોઈ નાંખો. દવા છંટકાવ સમયે ઉપયોગમાં લીધેલ કપડાને ધરેલુ કપડાથી અલગ રાખી ધુઓ. રસાયણનો છંટકાવ શરૂ કરતા પહેલા જો તમને સારૂ ન લાગે તો રસાયણ સાથે કામ કરવાનું માંડી વાળો.
૪) છંટકાવના સાધનોની કાળજી અને સંભાળ ઃ છંટકાવમાં ઉપયોગ લેતા પહેલા છંટકાવના સાધનની ચકાસણી કરો. જો કોઈક જગ્યાએથી ગળતુ હોય તો વાપરતા પહેલા તેનું સમારકામ કરો. નોઝલ ચોખ્ખી અને અસરકારક કામ કરે છે કે કેમ તેની ચકાસણી કરો અને જરૂર જણાયે નોઝલની બદલી કરો. છંટકાવનાં સાધનની ક્ષમતાની વર્ષ્ામાં એક વાર કે તેના વપરાશ મુજબ ચકાસણી કરો. છંટકાવના સાધનને વપરાશ બાદ સાફ કરો અને તેને બાળક, ખોરાક અને પાલતું પ્રાણીઓથી સુરક્ષિત રાખો. છંટકાવ કરનાર વ્યકિતને છંટકાવની વાછટ અને દવા તરફથી આવતા પવનથી દૂર રાખો. વધુ પવનની ગતિ વાળા દિવસે  છંટકાવ ટાળો.
પ) છંટકાવ સમયે યોગ્ય સંરક્ષક પોશાક અને સાધનોના ઉપયોગ:જંતુનાશકોના મિશ્રણ અને છંટકાવના સમયે લેબલમાં દર્શાવેલ ચિત્રોનાં સુચનોનો અમલ કરો. જુદી જુદી જંતુનાશક દવાઓ અને ઉત્પાદનો મુજબ સંરક્ષક પોશાક અને સાધનોની જરૂરીયાત અલગ અલગ હોય.આમ છતા સામાન્ય સંજોગોમાં લાંબી બાંયવાળુ શર્ટ, લાંબુ પેન્ટ અને અશોષક પ્રકારનાં પગરખાં કમરથી નીચેની ઉંચાઈએ નોઝલ/નાળચા વડે છંટકાવ સમયે પહેરવા જરૂરી અને સલામત છે. મોટી કિનારીવાળી ટોપી સૂર્યના તડકા અને જંતુનાશક દવાના છંટકાવની વાછટથી રક્ષણ આપે છે. પ્રવાહી જંતુનાશકનાં મિશ્રણ સમયે આંખ અને હાથના રક્ષણની જરૂરિયાત રહે છે જયારે પાવડર સ્વરૂપ જંતુનાશકનાં મિશ્રણ વખતે મોં પટૃ/માસ્ક જરૂરી છે. હાથમોજાને દૂર કરતા પહેલા ધુઓ જેથી ચેપ લાગવાથી બચી શકાય.