યાત્રિકો માળવેલાથી નીકળી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ તરફ વિસામો લેતા આગળ ધપી સાંજે બોરદેવીમાં રાત્રી રોકાણ કરે છે. રળિયામણી જગા અને ગાઢ જંગલમાં બોરદેવી માતાનું શિખરબંધ મંદિર છે. સ્કંદપુરાણમાં આ જગાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અહીં અર્જુન સાથે લગ્ન થયા હતા. મા જગદંબા અંબિકા અહીં બોરડીમાંથી પ્રગટ થયા હોઇ, બોરદેવી નામ પડ્‌યું હતું. જેના એક તરફ પાણી અને બીજી તરફ ગઢ છે, તેવા ગિરનારની લીલી વનરાજી માનસિક શાંતિ આપે છે. બોરદેવી માનાં દર્શન કરી રાતની ઊંઘ માણી સવારનો પંથ કાપવાનો ચાલુ કરી ભવનાથ તરફ વળે છે. આમ ઘણા યાત્રિકો ગિરનાર ચઢી દેવસ્થાનોનાં દર્શન કરે છે. જ્યારે કેટલાંક ભવનાથ મહાદેવનાં દર્શન કરી, દામોદર કુંડમાં સ્નાન કરી પદયાત્રા પૂરી કરે છે. કારતક સુદ અગિયારસથી આરંભાયેલી આ લીલી પરિક્રમા દેવ દિવાળીના દિવસે શારીરિક ક્ષમતાની કસોટી કરી પૂરી થાય છે.
-ભવનાથનો મેળો: ભવનાથ મહાદેવ વિશે શાસ્ત્રોમાં કરેલા ઉલ્લેખ મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રમાણે જ્યારે પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એનો વિવાદ જાગ્યો. ત્યારે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત લાવ્યા.
ગિરનાર ચોર્યાશી સિદ્ધોનું નિવાસસ્થાન હોઇ, સેંકડો વર્ષથી અહીં સાધુ-સંતોનો મેળો ભરાય છે. લોકવાયકા છે કે, અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે. ભવનાથની તળેટીમાં મહા વદ નોમથી ચૌદશ સુધી ભરાતો આ મેળો સ્વંયભૂ છે. આ મેળામાં સંસારીઓ કરતા સાધુઓ વધુ જોવા મળે છે. આ મેળામાં સાધુઓ માટે અખાડાની અને ઉતારાની સાથે રાવટીની સુવિધા કરાય છે. ગિરનારની ગોદમાં યોજાતા આ મેળામાં આવતા સાધુ-સંતો પૈકી ઘણા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે.
આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણિયાનો ઉતારો, પરબનો ઉતારો, ભૂરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડિયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, દરેક જ્ઞાતિની જગા દ્વારા સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ ભોજન સાથે રાતે સૂવાની સુવિધા કરાય છે. જ્યાં ભોજન, ત્યાં ભજન મુજબ થોડા-થોડા અંતરે ભોજન સાથે ભજન-કિતર્નમાં જાણીતા કલાકારો સંતવાણી યોજે છે. મેળામાં ખાણી-પીણીના સ્ટોલ તથા મનોરંજન માટે જુદી-જુદી જાતના ચગડોળ, રોશની, ઝૂલા, ખેલકૂદ ગોઠવાય છે.
-નાગા બાવાઓનું સરઘસ: ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ એટલે રાત્રે ૯ વાગ્યે નીકળતું નાગાબાવાઓનું સરઘસ. આ સરઘસ શિવરાત્રિની રાતે ભવનાથ મંદિરની પાછળ જૂના દશનામી પંથ-અખાડા ખાતેથી નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસના મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે. અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં હાજર સાધુ-સંતો પોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે જોડાય છે. નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવા પોતાની ઈન્દ્રીય વડે વાહનને ખેંચી લોકોને મંત્રમુગ્ધ કરે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આ સરઘસ ફરતું ફરતું ભવનાથ મંદિરના બીજા દરવાજેથી બાજુના મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર પછી નાગાબાવા અને સાધુ-સંતો-મહંતો વારાફરતી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહ¥વ છે, તેમ આ મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહ¥વ છે. કહેવાય છે કે, આ કુંડમાં નહાવા પડેલા અમુક સાધુ બહાર આવતા નથી, અંદરથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીં સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવના પૂજા-આરતી કરાય છે.
-મૃગીકુંડ: ભવનાથ મહાદેવ નજીક આવેલા મૃગીકુંડની કથા પણ વિસ્મયભરી છે. કાન્યકુબ્જનાં રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યું કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે, હરણની માફક કૂદે છે. તેનું મોઢું હરણનું અને તન સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત પછી એ નવતર પ્રાણીને મહેલમાં લાવ્યા ને પંડીતોને એનો ભેદ ઉકેલવા કહ્યું. વિદ્વાનોને કોઈ માર્ગ ન મળતા રાજા ભોજ કુરૂક્ષેત્રમાં તપ કરતા ઉર્ધ્વરેતા ઋષિ પાસે જાય છે.
ઉર્ધ્વરેતા ઋષિએ મૃગમુખીને માનવીની વાચા આપતાં, તેણે પોતાના ગત જન્મની વાત કરી. એ આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાયું અને બાકીનું શરીર  સુવર્ણરેખા નદીમાં પડ્‌યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તેને માનવજન્મ મળ્યો. પણ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી. તેને સુવર્ણરેખાનાં જળમાં પધરાવી તેથી મૃગમુખીનું આખું શરીર માનવીનું બની ગયું. રાજા ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઇ તેની સાથે લગ્ન કર્યાં બાદ પત્નીનું સૂચન માની રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં કુંડ બનાવડાવ્યો, તે આ મૃગીકુંડ.
-જૈન મંદિરો: ગિરનાર પર્વત પર અનેક જૈન મંદિર પણ આવેલા છે. જેમાં, નેમિનાથનું મંદિર, અરિષ્ટ નેમિનાથ મંદિર, મહારાજા કુમારપાળે બંધાવેલું મંદિર, વસ્તુપાળ વિહાર, સમ્રાટ સંપ્રતીએ બંધાવેલું મંદિર, ચૌમુખજી મંદિર, શેઠ ધર્મચંદ હેમચંદે બંધાવેલું મંદિર, નેમીનાથ દેરાસર…એમ ઘણાં જૈન મંદિરો અહીં આવેલા છે.
– અશોકનો શિલાલેખ: સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢથી ગિરનાર જતાં માર્ગમાં આવતું ઐતિહાસિક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. જે ૭૫ ફૂટના ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષ પહેલાંનો ઐતિહાસિક વારસો છે. સમ્રાટ અશોકના શિલાલેખમાં ૧૪ આજ્ઞા કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જાનવરો માટે ઔષધિના વાવેતરનો, લોકોને ધર્મ પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોના સત્કારનો, દરેક ધર્મ-સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા જેવા ઉપદેશ આપ્યા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલો આ શિલાલેખ ભારત સરકારના પુરાતન વિભાગ દ્વારા સચવાયો છે. ( ક્રમશઃ)